Botad News : સમગ્ર રાજ્યની સાથે બોટાદ જિલ્લામાં પણ લમ્પી વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે.  દિવસે દિવસે અસરગ્રસ્ત પશુઓમાં વધારો  થઈ રહ્યો છે તો મૃત્યુઆંક પણ 22 પર પહોંચ્યો છે. પશુપાલન વિભાગની  20 ટીમો સાથે રસીકરણ કરવામાં આવી રહ્યું છે.


બોટાદ જિલ્લામાં 988 પશુઓ અસરગ્રસ્ત 
ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં લંપી વાયરસનો હાહાકાર છે. ત્યારે પશુપાલકોમાં સતત ચિંતાનો વધારો થઈ રહ્યો છે. બોટાદ જિલ્લામાં દિવસેને દિવસે લંપી વાયરસના અસરગ્રસ્ત પશુઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તો અત્યાર સુધીમાં બોટાદ જિલ્લામાં 988 પશુઓ  અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે.


બોટાદમાં અત્યાર સુધીમાં 22 પશુઓના મોત 
બોટાદ જિલ્લામાં લમ્પી વાયરસને કારણે  અત્યાર સુધીમાં 22 પશુઓના મોત થઈ ચૂક્યા છે. પશુપાલન વિભાગ દ્વારા અલગ અલગ 20 ટીમો બનાવી સતત કર્યશીલ બનાવી 81493 પશુઓનું  રસીકરણ કરવામાં આવ્યું છે. પશુપાલન અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લામાં પૂરતા પ્રમાણમાં રસીનો જથ્થો પણ છે.


સરકારી આંકડા મુજબ રાજ્યમાં  2240 પશુઓના મોત
રાજ્યમાં લમ્પી વાયરસથી હાહાકાર મચી ગયો છે. 7 ઓગસ્ટ  સુધી રાજ્યમાં લમ્પી વાયરસના કારણે  2240 પશુઓના મોત થયા છે. જ્યારે 65,000 પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળ્યો છે. જેમાંથી 42,565 પશુઓ સ્વસ્થ થયા છે. રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર સહિતના જિલ્લામા પશુઓમાં લમ્પી વાયરસના કેસ જોવા મળ્યા છે. 118 તાલુકાના 2,463 ગામમાં લમ્પી વાયરસ પ્રસર્યો છે.


ગયા વર્ષે પણ આવ્યો હતો લમ્પી વાયરસ 
ગુજરાતમાં લમ્પી વાયરસના કહેર વચ્ચે લમ્પી વાયરસ અંગે પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે મોટું નિવેદન આપ્યું છે. પંચમહાલ ડેરીના ચેરમેન જેઠા ભરવાડે  નિવેદન આપ્યું છે કે લમ્પી વાયરસ નવો વાયરસ નથી, ગયા વર્ષે પણ લમ્પી વાયરસના કેસો સામે આવ્યા હતા. તેમણે કહ્યું કે  ગયા વર્ષે લમ્પી વાયરસના 10 હજાર કેસો સામે આવ્યા હતા અને તે તમામ  અસરગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવી હતી અને તમામને સાજા કરવામાં આવ્યા હતા, કોઈ પશુનું મોત થયું નહોતું.
 
વધુમાં જેઠા ભરવાડે કહ્યું કે આ વર્ષે પંચમહાલ,દાહોદ અને મહીસાગર જિલ્લામાં થઈને તા.01-04-2022 થી તા.05-08-2022 સુધીમાં 203 કેસો સામે આવ્યા છે જે તમામની સારવાર કરવામાં આવી છે. 05-08-2022 ના રોજ પંચમહાલમાં 16 અને મહીસાગરમાં 5 કેસો મળી આવેલા છે.