Gujarat Monsoon Update:  હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યના અનેક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી પાંચ દિવસ અન્યત્ર જ્યાં ભારેથી અતિભારે ભારે વરસાદ પડી શકે છે તેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, તાપી, સુરત, ભરૃચનો પણ સમાવેશ થાય છે.


હવામાન વિભાગ દ્વારા બુધવારે વલસાડ-દમણ, ગુરુવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,વડોદરા, જુનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં મંગળવારથી ગુરુવાર સુધી મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.





  •  સાબરકાંઠના હિંમતનગર માં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ઉમિયા વિજય ટીપી રોડ, પાલિકા રોડ,શારદાકુંજ વિસ્તાર,મારુતિનગર વિસ્તારમાં પાણી ભરાયાં છે. પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે.

  • બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ છે. 30 મિનિટમાં અંદાજીત એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે ડીસાના અનાજ માર્કેટયાર્ડમાં પાણી ભરાયા છે, જેના કારણે વેપારીઓ પરેશાન થઈ ગયા છે. કાંકરેજના થરા,શિહોરી,અરણીવાડા, કબોઈ, ઉબરી,બુકોલી સવિતા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. ધોધમાર વરસાદની શરૂઆતથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.

  • દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ છે. ઝાલોદ, લીમડી, સંજેલી, ગરબાડા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ છે. દાહોદ- સંજેલી મા ધોધમાર વરસાદ છે. કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ શરૂ થતાં લોકોને ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે.

  •  મહેસાણા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. ઊંઝામાં ભારે વરસાદના કારણે અંડર પાસમાં પાણી ભરાયાં છે. અંડર પાસમાં પાણી ભરાતાં સ્કૂલ બસ ગરકાવ થઈ હતી. મહેસાણા,વિજાપુર,વિસનગર વડનગર,ખેરાલુ,બેચરાજી, જોટાણા,મોઢેરા સહિતના શહેરોમાં વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુસળધાર વરસાદ છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી છે.

  •  મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ છે. જિલ્લાના સંતરામપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે સંતરામપુર તાલુકામાં વરસાદી માહોલ તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ કાળા ડિંબાગ વાદળો આકાશમાં ઘેરાયા છે. સંતરામપુર શહેર તેમજ ગોઠીબ હીરાપુર ઉખરેલી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે

  •  દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમ ના 2 દરવાજા ત્રણ ફૂટ અને 5 દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમમાંથી હાલ 70 હજાર 412 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવા માં આવી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 41 હજાર 571 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની સપાટી 334.65 ફૂટ પર પહોંચી છે.