કચ્છઃ કચ્છમાં લમ્પી વાયરસથી હાહાકાર મચી ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે જઈ રહ્યા છે. મુખ્યમંત્રી સવારે 9:30 મિનિટે ભુજ એરપોર્ટ પહોંચશે. લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે વહીવટી તંત્ર સાથે ચર્ચા કરશે. લમ્પી સ્કીન ડીસીઝ અસરગ્રસ્ત પશુઓ માટે બનાવેલ આઇસોલેશન સેન્ટર અને વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લેશે.
ભુજના કોડકી રોડ ઉપર બનાવામાં આવેલ આઇસોલેશન સેન્ટર અને વેક્સીનેશન સેન્ટરની લેશે મુલાકાત. મુલાકાત લીધા બાદ ભુજ કલેકટરે કચેરી ખાતે ઉચ્ચ અઘિકારીઓ સાથે યોજશે બેઠક.
ગુજરાતમાં પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસને લઈ પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. રાજયમાં હાલની સ્થિતિએ અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, દેવભુમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, સુરત, પાટણ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ અને મહેસાણા મળી કુલ 20 જિલ્લાઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે.
અત્યાર સુધીમાં કેટલા પશુઓના મોત
20 જિલ્લાઓના અસરગ્રસ્ત 1935 ગામોમાં 54,161 પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનાં કેસ જોવા મળ્યા છે, તે તમામ પશુઓને સારવાર આપવામાં આવી છે. અત્યાર સુધીનાં રોગચાળા અહેવાલ મુજબ રાજયમાં કુલ 1431 પશુઓનાં લમ્પી સ્કીન ડીસીઝનાં કારણે મૃત્યું નોધાયા છે. નિરોગી પશુઓમાં રોગનો ફેલાવો ન થાય તે માટે અત્યાર સુધી 8.17 લાખથી વધુ પશુઓમાં રસીકરણ કરવામાં આવેલ છે અને હાલમાં જીલ્લા કક્ષાએ 7.90 લાખથી વધુ રસીના ડોઝ ઉપલબ્ધ છે.
પશુપાલકો આ નંબર પર કરી શકે છે ફોન
પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું પશુપાલકોને આ રોગમાં તાત્કાલિક સારવાર અને અન્ય માહિતી માટે શરૂ કરેલ ટોલ ફ્રી હેલ્પલાઈન 1962 પર છેલ્લા આઠ દિવસમાં 21026 એટલે કે દરરોજ સરેરાશ 2100થી વધુ કોલ્સ લમ્પી સ્કીન ડીસીઝ માટે આવ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું છે.
મંત્રીએ ઉમેર્યુ કે રાજયમાં લમ્પી રોગના નિયંત્રણ અને જરૂરી સારવાર માટે માર્ગદર્શન આપવાના હેતુસર કામધેનુ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર શ્રી નરેશ કેલાવાલાના અધ્યક્ષ સ્થાને રાજય કક્ષાની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં પાંચ સભ્યોની નિમણૂંક કરાઇ છે આ ટાસ્ક ફોર્સ દ્વારા સારવાર સંદર્ભે જે પણ ગાઇડલાઇન મળશે તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.