ગાંધીનગરઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીનું શનિવારે નિધન થયું. માધવસિંહ સોલંકી પી.વી. નરસિંહરાવ સરકારમાં વિદેશ મંત્રી હતા. સોલંકી 21 જૂન, 1991ના રોજ વિદેશ મંત્રી બન્યા અને 31 માર્ચ, 1992ના રોજ તેમણે વિદેશ મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું, બલ્કે સોલંકીએ વિદેશ મં6પદ છોડવું પડ્યું હતું. એ માટે સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં બનેલી એક શરમજનક ઘટના જવાબદાર હતી.


સોલંકી 1 ફેબ્રુઆરી, 1992ના રોજ દાવોસની સત્તાવાર મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે સ્વિત્ઝરલેન્ડના વિદેશ મંત્રીને એક ચિઠ્ઠી આપી હતી. આ ચિઠ્ઠી પર કોઈની સહી નહોતી પણ સ્વિત્ઝરલેન્ડમાં ચાલી રહેલી બોફોર્સ કાંડની તપાસ અટકાવી દેવા કહેવાયું હતું. બોફોર્સ સોદામાં લાંચ લેવાઈ હોવાનો ધડાકો કરનારાં પત્રકાર ચિત્રા સુબ્રમણ્યમે બીજા દિવસે આ નોટ પ્રસિધ્ધ કરીને ખળભળાટ મચાવી દીધો હતો. ભારતમાં આ મુદ્દે જોરદાર ઉહાપોહ થતાં છેવટે સોલંકીએ શરમજનક રીતે વિદેશ મંત્રીપદેથી રાજીનામું ધરી દેવું પડ્યું હતું.

સોલંકીએઆ ચિઠ્ઠી કોના વતી પોતે સ્વિત્ઝરલેન્ડના વિદેશ મંત્રીને આપી હતી તેનો ખુલાસો કદી ના કર્યો. બોફોર્સ કાંડમાં રાજીવ ગાંધીની સંડોવણીના આક્ષેપો થતા હતા અને માધવસિંહ નહેરૂ-ગાંધી ખાનદાનની અત્યંત નજીક હતા તેથી આ ખાનદાનને બચાવવા માટે તેમણે આ ચિઠ્ઠી આપી હોવાનું મનાય છે. અલબત્ત આ રહસ્ય રહસ્ય જ રહી ગયું ને આ ચિઠ્ઠી કદી બહાર ના આવી. ભારતને 1997માં આ ચિઠ્ઠી મળી પણ આ મુદ્દે કદી તપાસ ના થઈ.