તો રાજ્યમાં આજે ડાંગ,વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. નલિયામાં સૌથી વધુ 7.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. નલિયા સિવાય રાજ્યના અલગ અલગ શહેરોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી વધુ રહ્યો હતો.
આ પહેલા પડેલા માવઠાને કારણે વલસાડ જિલ્લાનાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ કેરીના પાકમાં મંજરી ફૂટવાનો સમય છે અને ખેડૂતોએ દવા છાંટવાનું શરૂ કર્યું છે. પરંતુ વરસાદના કારણે દવા ધોવાઈ જાય તેવી આશંકા છે. તો જે મંજરી મોટી થઈ ગઈ છે તેમાં આ કમોસમી વરસાદના કારણે ફૂગ અને પેસ્ટનો ઉપદ્રવ થવાની ભીતિ છે.
વલસાડમાં કેરીના પાકની સાથે કઠોળના પાકને પણ નુક્સાન થવાની શક્યતા છે. વલસાડ જિલ્લામાં કેરીનો પાક એ મુખ્ય પાક છે અને 70 ટકા ખેડૂતોની વર્ષભરની આવક આ પાક પર નિર્ભર છે. પરંતુ આ કમોસમી વરસાદના કારણે 35 હજાર હેકટરમાં કેરીના પાકને નુકસાન થઈ શકે છે.
નવસારીના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. વરસાદને કારણે કેરી, શેરડી અને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. કેરીના મોર ખરી પડતા નુકસાન થયું છે. તો ડાંગરનો ધરૂ ભીંજાઈ જતા ખેડૂતોને નુકસાન થયું છે. જ્યારે શેરડી માટે કરાયેલી પાળ ફરી બનાવવાની ફરજ પડી છે. ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે કમોસમી વરસાદથી થયેલી નુકસાની અંગે સહાયની માગ કરી રહ્યા છે.