Volvo bus service for Mahakumbh: ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં જવા માટે હવે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ વોલ્વો બસ સેવા શરૂ થઈ શકે છે. તાજેતરમાં જ અમદાવાદથી પ્રયાગરાજ માટે વોલ્વો બસ સેવાનો પ્રારંભ થયો છે, જેનાથી અમદાવાદ અને આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓને સીધી અને આરામદાયક મુસાફરીની સુવિધા મળી છે.
હવે સરકાર રાજ્યના અન્ય જિલ્લાઓના લોકોને પણ તેમના જ જિલ્લામાંથી સીધી બસ સેવાનો લાભ મળે તે માટે વિચારણા કરી રહી છે. જો આ યોજના અમલમાં આવે તો રાજ્યના દૂરના વિસ્તારોમાં રહેતા શ્રદ્ધાળુઓ માટે પણ મહાકુંભની યાત્રા સરળ બનશે.
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે સરકાર શ્રદ્ધાળુઓની સુવિધા માટે સતત પ્રયત્નશીલ છે અને શક્ય હોય તેટલી વધુ સુવિધાઓ પૂરી પાડવા માટે કાર્ય કરી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ માટે વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાવ્યો
ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેસરી ઝંડી આપી ‘ચલો, કુંભ ચલે’ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ મંત્રોચ્ચાર અને વિધિ સાથે મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ વોલ્વો બસમાં પ્રયાગરાજ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને સન્માનપૂર્વક આવકાર્યા હતા અને સુખદ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી.
હાલની વ્યવસ્થા મુજબ, દરરોજ સવારે ૭ વાગ્યે રાણીપ એસ.ટી. ડેપો, અમદાવાદથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે માત્ર રૂ. ૮૧૦૦માં પ્રતિ વ્યક્તિ ૩ રાત્રિ/૪ દિવસનું આકર્ષક પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ પેકેજમાં તમામ ૩ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ થાય છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાવ્યો તે સમયે ગાંધીનગરના ધારાસભ્ય મતી રીટા બહેન પટેલ, મેયર મતી મીરાં બહેન પટેલ તેમજ શહેર અને જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, પ્રવાસન અગ્ર સચિવ ડો. રાજેન્દ્ર કુમાર, એસ.ટી. કોર્પોરેશનના એમ.ડી. અનુપમ આનંદ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો...
મલ્લિકાર્જુન ખડગેનો કટાક્ષ: 'ગંગામાં ડૂબકી મારવાથી ગરીબી નહીં ખતમ થાય' - સંબિત પાત્રાએ આપ્યો આ પડકાર
