મહીસાગર: મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. દિવસભર સતત મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ રહ્યો છે.  12 કલાકમાં મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ લુણાવાડા તાલુકામાં વરસ્યો છે. લુણાવાડમાં દિવસ દરમિયાન 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 


મહીસાગર જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ 


લુણાવાડા તાલુકામાં 7 ઈંચ વરસાદ


સંતરામપુર તાલુકામાં 5.5 પાંચ ઇંચ વરસાદ 


વીરપુર તાલુકામાં 3.5 ઇંચ વરસાદ


ખાનપુર તાલુકામાં 3 ઇંચ વરસાદ 


કડાણા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ 


બાલાસિનોર તાલુકામાં 2 ઇંચ વરસાદ 


મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઇ ખેડૂતો ખુશખુશાલ છે. આજે વહેલી સવારથી જ અહીં વરસાદી માહોલ જામ્યો છે. જે તાલુકાઓમાં વધુ વરસાદ વરસ્યો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. 




15 જેટલા વીજપોલ ધરાશાયી થયા


મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈ  15 જેટલા વીજપોલ ધરાશાયી થયા છે.  11 kv ના 6 વીજપોલ તેમજ અન્ય  9 વીજ પોલ મળી કુલ 15 વીજપોલ ભારે વરસાદના કારણે ધરાશાયી થયા છે.  એમજીવીસીએલ વિભાગને અંદાજિત 75 હજારનું નુકસાન થયું છે. એમજીવીસીએલ દ્વારા તમામ વીજપોલને ઊભા કરી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવ્યો છે.  


સંતરામપુરની ચીબોટા નદીમાં નવા નીરની આવક


મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદને લઈ અને સંતરામપુરની ચીબોટા નદીમાં નવા નીરની આવક થઈ છે.  સંતરામપુર શહેરમાં આવેલ ચીબોટા નદી બે કાંઠે વહેતી થઈ છે.  સવારથી જ સંતરામપુર તાલુકામાં સાડા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.  નદીમાં નવા નીર આવ્યા છે.  નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશખુશાલ છે. મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે.  


રાજ્યમાં ભારે વરસાદની આગાહી


મધ્યપ્રદેશ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમ  ધીરે ધીરે રાજ્ય પર આવતા ફરી મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે.  હવામાન વિભાગે (Meteorological Department) આગામી 2 દિવસ સાર્વત્રિક મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આજે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની (heavy rain) હવામાન વિભાગે   (Meteorological Department) આગાહી કરી છે.  


સૌરાષ્ટ્રના 6  મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે.   16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવામાન વિભાગની  આગાહી મુજબ  મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે  ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.   દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે.