Gujarat Rain:ગુજરાતમાં મોનસૂન (monsoon)એક્ટિવ છે પરંતુ તેની પેર્ટન બદલાઇ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યાં બાદ હવે ઉતર ગુજરાતમાં વરસાદ (rain) ધરાને ધરવી રહ્યો છે. જો કે ભારે વરસાદ કેટલીક જગ્યાએ આફત રૂપ બન્યો છે. ભાર વરસાદના કારણે અનેક ગામો વીજળી ગૂલ છે તો કેટલાક રસ્તા પણ બંધ છે. ભારે વરસાદના પગલે રાજ્યના કુલ 127 રસ્તાઓ બંધ થયા છે. જેમાં 9 સ્ટેટ હાઈવે અને 113 પંચાયતના રસ્તાઓનો સમાવેશ થાય છે. આ તમામ રસ્તાઓ ભારે વરસાદના કારણે ઠપ્પ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. આ સિવાય સોરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ વરસાદને લઇને હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. ખાસ કરીને પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલીમાં વરસાદનું અનુમાન છે. રાજ્યમાં ભારે વરસાદન આગાહીના પગલે આજ સવારથી અમદાવાદ સહિતના ગુજરાતનાઅનેક જિલ્લામાં મેઘરાજાની ઘૂવાધાર એન્ટ્રી થઇ ચૂકી છે. જેના કારણે વરસાદી પાણી ભરાઇ જતાં રસ્તાઓ બંધ થયા છે.
પોરબંદર જિલ્લાના 60 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. દ્વારકાના છ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. તો જૂનાગઢ જિલ્લાના 19 રસ્તાઓ પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. તો જામનગર જિલ્લાના 8, ગીર સોમનાથ જિલ્લાના સાત રસ્તા બંધ કરવામાં આવ્યા છે. કચ્છમાં પણ વરરસાદના કારણે કેટલાક રસ્તા બંધ કરવાની ફરજ પડી છે. કચ્છ જિલ્લાના સાત રસ્તા પર વાહન વ્યવહાર બંધ છે.
સતત સવારથી વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના 26 ગામોનો વીજ પુરવઠો ખોરવાયો છે.26 ગામોમાં વીજળી ગૂલ તથા જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. જો કે વીજ પુરવઠોની પર્વવત કરવા માટે વીજ વિભાગે કામગીરી શરૂ કરી છે.
ભારે વરસાદના પગલે એસટીની બસ ડૂબી
સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. હિંમતનગરમાં પણ વરસાદ વરસ્યો છે. હિંમતનગરના હમીરગઢ ગામ પાસે આવેલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. રેલવે અંડરબ્રિજમાંથી પસાર થતી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ છે. બસ પાણીમાં ડૂબી હોય તેવા વીડિયો પણ વાયરલ થયા છે. જો પ્રવાસીનું સમયસર રેસ્ક્યુ કરવામાં આવતા મોટી જાનહાનિ ટળી છે. આ હિંમતનગરથી વીરાવડા - હમીરગઢ બસ હમીરગઢ અંડર બ્રિજના પાણીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે બસ પાણીમાં ગરકાવ થઈ હતી. એસટી બસ અંડર બ્રિજમાં જ સેન્સરના કારણે બંધ પડી હતી. આસપાસના ખેતરોનું તેમજ ગામનું પાણી અંડરબ્રિજમાં વર્ષોથી ભરાતું રહે છે. દર વર્ષે ચોમાસામાં અંડર બ્રિજમાં પાણી ભરાય છે. વરસાદી પાણીના નિકાલના અભાવે દર વર્ષે અંડરબ્રિજમાં પાણી ભરાય છે