મહીસાગરઃ મહીસાગરમાં જિલ્લામાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે કાચુ મકાન ધરાશાયી થયુ હતું. મકાન ધરાશાયી થતા બે લોકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે કાકરા ફળિયામાં ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી થયુ હતું. કાચુ મકાન ધરાશાયી થતાં એક મહિલા અને બાળકીનું મોત થયું હતું. સંતરામપુરમાં ગઈકાલે ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદથી પાણી ભરાઇ જવાના કારણે મકાન ધરાશાયી થયુ હતું.
બીજી તરફ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કડાણામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. બાલાસિનોર, લુણાવાડામાં પણ વરસાદ પડી રહ્યો છે. સંતરામપુર, કડાણા, ગોઠીબ, લુણાવાડા, વરધરી, દીવડા, ડીટવાસ સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો હતો.
બીજી તરફ કચ્છના માંડવીમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબકી જતા માંડવી શહેર પાણી પાણી થયું છે. અતિભારે વરસાદના કારણે માંડવીમાં મુખ્ય બજાર અને લાકડા બજારમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહ્યો જેમાં 4થી 5 બાઈકો પાણીમાં તણાઇ ગયા હતા.
માંડવી શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત ચોથા દિવસે માંડવીમાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાં પાણી ફરી વળ્યા હતા. 5થી છ ઈંચ વરસાદમાં માંડવીના નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરી પલળી ગઈ હતી. તો અબડાસા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.