મુંદ્રા પોર્ટ પરથી ડીઆરઆઈએ પકડી પાડેલા ત્રણ હજાર કિલો હેરોઈનની કિંમત હવે 21 હજાર કરોડ આંકવામાં આવી રહી છે. હેરોઈનનો આ જથ્થો અફઘાનિસ્તાનથી આવ્યો હોવાની અને તાલિબાન અને આઈએસઆઈ કનેક્શનની આશંકાથી એનઆઈએ અને ગુજરાત ATS જેવી એજંસીઓ તપાસમાં જોતરાય તેવી શક્યતા છે. બીજી તરફ હેરોઈનની કિંમત 21 હજાર કરોડ થતા ઈડીએ મની લોંડરીંગ અંગે પણ તપાસ શરૂ કરી છે.


દેશમાં ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો પકડાવાના કેસમાં ડીઆરઆઈની એક ટીમે દિલ્લીથી બે અફઘાની નાગરિક સહિત ત્રણની અટકાયત કરી છે. બીજી તરફ ટેલ્કમ પાઉડર સાથે ડ્રગ્સ ઈમ્પોર્ટ કરનાર દંપતિને લઈ ડિઆઈરઆઈએ તપાસનો દોર મુંદ્રા, ગાંધીધામ, માંડવી, અમદાવાદ, દિલ્લી અને ચેન્નાઈ સુધી લંબાવ્યો છે.


મુંદ્રા પોર્ટ પર વિજયવાડાની આશિ ટ્રેડિંગ કંપનીના સેમી પ્રોસેસ્ડ ટેલ્કમ પાઉડરના કંટેનર આવ્યા હતા. તેમાં હેરોઈન ડ્રગ્સ હોવાની બાતમીથી ડીઆરઆઈની ટીમે તપાસ કરી 15 સપ્ટેમ્બરે એક કંટેનરમાંથી એક હજાર 999.579 કિલોગ્રામ, ચાર દિવસ પછી બીજા કંટેનરમાંથી 988.64 કિલો ગ્રામ હેરોઈનનો જથ્થો કબ્જો કર્યો હતો. મુંદ્રા પોર્ટ પર આયાત કરેલા કંટેનરમાંથી મળેલા કુલ 2988.219 કિલોગ્રામ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 21 હજાર કરોડ ગણાઈ રહી છે.


અફઘાનિસ્તાનથી પાઉડર ફોર્મમાં 90 ટકા હેરોઈનનો જથ્થો ઈરાનના બંદર અબ્બાસ પોર્ટથી ટેલ્કમ પાઉડર સાથે મુંદ્રા પોર્ટ પર આવેલા ઈંટર સીડની નામના વહાણમાંથી ઉતરેલા કંટેઈનરમાં મોકલાયો હતો. પાઉડર સાથે હેરોઈન ઈમ્પોર્ટ કરનાર ચેન્નાઈના વિજયવાડામાં રહેતા દંપતિ ગોવિંદારાજુ દુર્ગા પૂર્ણ વૈશાલી અને તેના પતિ મચ્છાવરમ સુધાકરની ધરપકડ કરીને દસ દિવસના રિમાંડ દરમિયાન ડીઆરઆઈની ટીમે તપાસ હવે ચેન્નાઈ, વિજયવાડા અને દિલ્લી સુધી લંબાવી છે.


હેરોઈનનો આ જથ્થો અફઘાનિસ્તાનના કંદહાર સ્થિત હસન હુસેન લિમિટેડના નામે એક્સપોર્ટ કરવામાં આવ્યો હતો. આમ અફઘાનિસ્તાનથી હેરોઈનનો જથ્થો આવ્યો હોવાથી ડ્રગ્સની હેરાફેરીમાં આઈએસઆઈ અને તાલિબાનની સંડોવણી હોવાની સંભાવના પણ એજંસી જોઈ રહી છે.


સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે ટેલ્કમ પાઉડર જેવા સ્વરૂપમાં મળી આવેલા હેરોઈન પર છેલ્લી પ્રોસેસ બાકી હતી. પ્યોર હેરોઈન બનાવવા માટે દસ ટકા જેવી પ્રોસેસ કરવાની બાકી હતી. અને એ માટે દિલ્લીમાં આ જથ્થો મોકલવામાં આવવાનો હતો. દિલ્લીમાં દસ ટકા પ્રોસેસ કરીને હેરોઈનનોને સ્થાનિક ડ્રગ્સ ડિલર્સ થકી દેશભરમાં વેચવાનો કારસો હતો.