રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી અનેક ક્ષેત્રો પર સંકટના વાદળો ઘેરાયા છે. રાહતની વાત એ છે કે, ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ હેમખેમ વતન ફર્યા છે. તેમાંથી મોટાભાગના મેડિકલ એટલે કે MBBSના વિદ્યાર્થીઓ છે. હવે તેમને ભવિષ્યની ચિંતા છે. તેમની કારકિર્દીને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓને કેટલાક સવાલો મુંઝવી રહ્યા છે. વિદેશમાં એજ્યુકેશનના નિષ્ણાત ડૉ. ઉમેશ ગુર્જરે આવા જ કેટલાક અગત્યના સવાલોના જવાબ આપ્યા હતા.


યૂક્રેનથી પાછા ફરેલા વિદ્યાર્થીઓને મૂંઝવતો સૌથી મોટો સવાલ એ છે કે,  શું યુક્રેનથી પરત ફરેલા MBBS વિદ્યાર્થીઓને ભારતની કોલેજમાં ટ્રાન્સફર મળી શકે? 


ડૉ.ઉમેશ ગુર્જરનું કહેવું છે કે,  ભારતમાં મેડિકલની બેઠકો અને કોલેજ ઘણી ઓછી છે. આ સ્થિતિમાં સરકારી કોલેજમાં પ્રવેશ મળી શકે તેમ નથી. બીજુ કે, ક્રેડિટ ટ્રાન્સફર સિસ્ટમ પણ
નહીં હોવાથી તેમને અહીં પ્રવેશ મળવાની સંભાવના નથી. પરંતુ જો કોઈ વિદ્યાર્થીએ NEET-યુજીની પરીક્ષા પાસ કરી હોય અને એલિજેબલ માર્ક્સ મેળવ્યા હોય તો
દેશની ખાનગી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવી શકે છે. એજ રીતે યુક્રેનથી પાછા આવેલા છાત્રોને અન્ય દેશોમાં ટ્રાન્સફર મળી શકે છે. યુક્રેન યુરોપ ખંડમાં આવેલો દેશ છે. ત્યાં MBBSના અભ્યાસક્રમનો સમયગાળો છ વર્ષનો હોય છે. જો યુરોપના અન્ય દેશોમાં બેઠકો ઉપલબ્ધ હોય તો
પ્રવેશ મેળવી શકે છે.


એક બીજો સવાલ એ પણ છે કે, શું ફરી યુક્રેનમાં ભણવા જઇ શકાય?


ડૉ. ગુર્જરના મતે,  યુક્રેનમાં તમામ મેડિકલ કોલેજ સરકારી છે. યુદ્ધ વિરામ બાદ તેમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ થશે. તેથી ફરી યુક્રેન જવા અંગે વિચાર જરૂર કરી શકાય.


આ ઉપરાંત વિદ્યાર્થીઓ MBBS સિવાયના કોર્સમાં પ્રવેશ લઈ શકે છે. આ વિદ્યાર્થીઓએ NEET-યુજીની પરીક્ષા પાસ કરી  હોય તો ડેન્ટલમાં પ્રવેશ લઈ શકે છે.


હાલ તમામ વિદ્યાર્થીઓની ઓરિજનલ માર્કશીટ અને દસ્તાવેજો યુક્રેનમાં જ છે. યુદ્ધ વિરામ બાદ જે તે યુનિવર્સિટીને ઈ-મેલથી સંપર્ક કરીને મેળવી શકાય. આ ઉપરાંત ઇન્ડિયન એમ્બેસીનો સંપર્ક સાધીને ડોક્યુમેંટ્સ પરત મંગાવી શકે છે.