મહેસાણા: NCP નેતા રેશમા પટેલની મુશ્કેલીમાં અચાનક વધારો થયો છે. પાટીદાર અનામત આંદોલનને છોડીને રેશમા પટેલ ભાજપમાં જોડાઈ હતી. ત્યાર બાદ રાતોરાત ભાજપમાંથી રાજીનામું આપીને તે NCPમાં જોડાઈ ગઈ છે. હવે રેશમા પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. રેશમા પટેલ વિરૂદ્ધ મહેસાણામાં નોંધાયેલા ગુનામાં મહેસાણા કોર્ટે રેશમા વિરૂદ્ધ વોરંટ જારી કર્યું છે.


ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં મહેસાણામાં ઉના કાંડની વરસીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં એક આઝાદી કુચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આઝાદી કુચ સમયે જાહેરનામાના ભંગ બદલ 12 જેટલા લોકો સામે મહેસાણાના એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.


આ કેસમાં જિગ્નેશ મેવાણી અને રેશમા પટેલનો પણ સમાવેશ થાય છે. આ રેલીમાં ઉપસ્થિત આગેવાનોએ સરકાર સામે અંકારા પ્રહારો કર્યા હતા. આ આઝાદી કુચમાં કનૈયા કુમાર પણ ઉપસ્થિતિ રહ્યા હતા. જાહેરનામાં ભંગના ગુનામાં કોર્ટની મુદતમાં રેશમા પટેલ હાજર ન રહેતા તેમના વિરુદ્ધમાં એક વોરંટ કાઢવામાં આવ્યું છે.