ગાંધીનગર: હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ કેટલાક શહેરોમાં ઠંડીનું જોર વધશે તેમ આગાહી કરી છે. રાજ્યના કેટલાક શહેરોમાં ઠંડીનો પારો ગગડતા ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. નવા વર્ષની શરૂઆતમાં જ કેટલાક શહેરોમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.


ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ જેવો માહોલ પણ સર્જાયો છે. રાજ્યમાં ઠંડીનું જોર વધશે જેવી ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠંડીનું જોર વધવાની સાથે હજુ પણ આગામી પાંચ દિવસ તાપમાનનો પારો 2થી 3 ડીગ્રી સુધી ઘટી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ વિસ્તારમાં કમોસમી વરસાદ થશે તેવી પણ આગાહી કરી હતી. જોકે વારંવાર વાતાવરણમાં પલટો ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે.