Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ

રાજ્યના ચાર જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

gujarati.abplive.com Last Updated: 27 Sep 2024 11:43 AM
સુરત જિલ્લાની મિંઢોળા નદી તોફાની બની

સુરત જિલ્લાની મિંઢોળા નદી તોફાની બની હતી. ઉપરવાસમાં વરસાદથી મિંઢોળા નદીમાં પૂર આવ્યું હતું. નદીમાં પૂર આવતા નેશનલ હાઇવે પર નદીના પાણી ફરી વળ્યા હતા. મીંઢોણા નદીમાં પૂર આવતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. મીંઢોણા બ્રિજ પર અવર જવર બંધ કરાયો હતો.

અમદાવાદમાં આજના દિવસમાં સરેરાશ 2 ઈંચ વરસાદ ખાબક્યો

અમદાવાદમાં આજના દિવસમાં સરેરાશ 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં સૌથી વધારે સરખેજ અને ઘાટલોડિયા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. સરખેજ અને ઘાટલોડિયા, દાણાપીઠ, જમાલપુર, કાલુપુર સહિત મધ્ય ઝોનમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. વાસણા બેરેજના પાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલવામા આવ્યા હતા.

ઉકાઈ ડેમની જળસપાટીમાં ફરી વધારો

તાપી જિલ્લાના ઉકાઈ ડેમની જળસપાટીમાં ફરી વધારો થયો છે. ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમની જળસપાટી વધી હતી. ઉપરવાસમાંથી ડેમમાં 1,13,567 ક્યુસેક પાણીની આવક થઇ છે જ્યારે ડેમના છ દરવાજા 5.5 ફૂટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે.

પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો

નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થયો છે. કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી પૂર્ણા નદીની સપાટી વધી છે. 2 કલાકમાં પૂર્ણા નદીની જળ સપાટીમાં 10 ફૂટનો વધારો થયો છે. પૂર્ણા નદીની જળસપાટી 16.50 ફૂટ પર પહોંચી છે.

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ઉના અને ગીર ગઢડા તાલુકાના અનેક ગામમાં વરસાદ નોંધાયો હતો. મગફળી, સોયાબીન, કપાસ, તલના પાકમાં નુકસાનની શક્યતા છે.

પાણીમાં ફસાયેલા 29 લોકોનું  રેસ્ક્યુ કરાયું હતુ

ભાવનગર જિલ્લાના કોળિયાકમાં ધસમસતા પાણીમાં ફસાયેલા 29 લોકોનું  રેસ્ક્યુ કરાયું હતુ. બસમાં ફસાયેલા 29 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બસનો પાછળનો કાચ તોડી મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા હતા. તમામ મુસાફરોને ટ્રકમાં બેસાડી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. સ્થાનિકો અને NDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું હતું. કલેક્ટર, પોલીસ વડા, MLA જીતુભાઈ વાઘાણી બચાવ કામગીરીમાં જોડાયા હતા.

હિરણ-2 ડેમ ઓવરફ્લો થયો હતો.

ગીર સોમનાથ જિલ્લાનો હિરણ-2 ડેમ ઓવરફ્લો થયો હતો. હિરણ-2 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો હતો. ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર કરાયા હતા.

ભાદર-1 ડેમ ફરી એકવાર ઑવરફ્લો

સૌરાષ્ટ્રના બીજા નંબરનો રાજકોટ જિલ્લાનો ભાદર-1 ડેમ ફરી એકવાર ઑવરફ્લો થયો હતો.  ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની ભરપૂર આવક થતા ભાદર-1 ડેમ ઓવરફ્લો થયો હતો. જેના પગલે અત્યારે ડેમના 10 દરવાજા 3 ફૂટ ખોલી 12 હજાર 931 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. પ્રશાસને કાંઠાના ગામના એલર્ટ કરી નદીના પટમાં અવરજવર ન કરવા ગામ લોકોને સૂચના આપી છે

સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો

નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો હતો. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 12 સેમીનો વધારો થયો હતો. નર્મદા ડેમની જળ સપાટી 138.33 મીટર પહોંચી છે. નર્મદા ડેમમાંથી કુલ 105278 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. વડોદરા ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરાયા હતા.

બ્રેકગ્રાઉન્ડ

રાજ્યના ચાર જિલ્લા અને બે સંઘ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ભાવનગર, તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે.


આ તરફ સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય રાજ્યના 10 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, જ્યારે મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાગમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જ્યારે સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.