Gujarat Rains: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આજે અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરી છ. આ સિવાય જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કાલે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30 ઓક્ટોબરે પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં છૂટા છવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
31 ઓક્ટોબરે દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં છુટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારો દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે પોર્ટ પર Lcs 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યમાં કેટલાક ભાગોમાં પૂર આવે તેવો વરસાદ વરસશે. તેમની આગાહી મુજબ આજથી અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવતા વરસાદનો કહેર ફરી શરૂ થવાની શક્યતા રહેશે. તારીખ 30 અને 31 ઓક્ટોમ્બરમાં સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરાના ભાગો, ઉતર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
તેમની આગાહી મુજબ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરમાં "મોન્થા" વાવાઝોડાની અસર મહારાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. બંગાળ ઉપસાગરના સિસ્ટમની અસર અને અરબી સમુદ્રના ડિપ્રેશનની અસરને કારણે 2 નવેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, સુરત, ભરૂચ, દક્ષિણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં હળવું પૂર આવે એવો વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદની સિસ્ટમ અસર પશ્વિમ સૌરાષ્ટ્રના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.