Gujarat Rain Forecast: રાજ્યના 33 પૈકી 17 જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે.


સૌરાષ્ટ્રના 8 જિલ્લાના અમુક સ્થળ પર આજે પણ નુકસાનીના વરસાદની આગાહી છે... દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં હળવો વરસાદ વરસી શકે છે. તો અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુરમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.  તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે નુકસાનીના વરસાદની શક્યતા છે.


સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હળવો વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવના છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે  આગાહી કરી છે.આ સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 142.76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છમાં સિઝનનો ખાબક્યો છે 188.35 ટકા વરસાદ, તો સૌરાષ્ટ્રમાં વરસ્યો 156.70 ટકા વરસાદ વરસ્યો છેદક્ષિણ ગુજરાતમાં આ સિઝનનો ખાબક્યો 148 ટકા વરસાદ.. તો મધ્ય ગુજરાતમાં આ સિઝનનો 134.91 ટકા અને ઉત્તર ગુજરાતમાં આ સિઝનનો 115.89 ટકા વરસાદ  વરસ્યો છે.


તો બીજી તરફ પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાત ધીમે ધીમે તેની તાકાત વધારી રહ્યું છે, જેને 'દાના' નામ આપવામાં આવ્યું છે. મંગળવારે સવાર સુધીમાં તે ડીપ પ્રેશર એરિયામાં અને બુધવારે ચક્રવાતમાં ફેરવાઈ જશે. ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થઈને તે 24 ઓક્ટોબરની સવારે બંગાળની ઉત્તર ખાડી સુધી પહોંચશે.


આ પછી તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને ઓડિશાના પુરી અને બંગાળના સાગર દીપપુંજની વચ્ચે 24મી રાત્રે અથવા 25મી ઓક્ટોબરની સવારની વચ્ચે દરિયાકિનારા સાથે ટકરાશે. દરમિયાન પવનની ઝડપ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તેની અસરના કારણે 23 ઓક્ટોબરથી જ ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે.


ભારે વરસાદની શક્યતા


ઓડિશા અને બંગાળ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગે 24 અને 25 ઓક્ટોબરે સંબંધિત વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાક હોય ત્યારે તેને ચક્રવાત કહેવામાં આવે છે. જ્યારે પવનની ઝડપ 90 થી 120 કિમી પ્રતિ કલાક હોય ત્યારે તેને ગંભીર ચક્રવાત કહેવામાં આવે છે.


માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ


જો કે 'દાના'ને લઈને દરિયો તોફાની રહેશે. આવી સ્થિતિમાં માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ કરીને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સોમવારે આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે ચક્રવાતને કારણે લોકોએ ગભરાવાની જરૂર નથી. ચક્રવાતનો સામનો કરવા માટે ફાયર બ્રિગેડ અને ODRFની ટીમોને તૈયાર રાખવામાં આવી છે. જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.