અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર  સૌરાષ્ટ્ર-કચ્છમાં અંગ દઝાડતી ગરમી પડશે.  હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસ હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે બેથી ત્રણ ડિગ્રી મહત્તમ તાપમાનમાં વધારો થશે. એટલું જ નહીં આગામી 4 દિવસમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે. જ્યારે અમદાવાદમાં આવતીકાલથી બે દિવસ હીટવેવની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગરમીથી બચવા હવામાન વિભાગે કેટલાક સૂચનો કર્યા છે.  જેમાં સામેલ છે સૂતરાઉ અને ખુલતાં કપડા પહેરવા,  તરસ ન લાગી હોય તો પણ પુરતું પાણી પીતા રહેવું.  માથાને કપડાથી ઢાંકવું. 


આગામી 4 દિવસમાં  કાળઝાળ ગરમીનો અનુભવ થશે


આગામી 4 દિવસમાં  કાળઝાળ ગરમીનો અનુભવ થશે. એન્ટિ સાયક્લોનિક સર્ક્યૂલેશનની અસર હેઠળ ફૂંકાતા ગરમ અને સૂકા પવનોથી ગરમીનું જોર વધશે. અમદાવાદ સહિતના 17 શહેરમાં પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. જ્યારે આગામી બે દિવસમાં અમદાવાદ, ડીસા, ભુજ, રાજકોટ, સુરતમાં 40 ડિગ્રી ગરમી પડવાની શક્યતા છે.


ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું


ગુજરાતમાં સોમવાર આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મંગળ અને બુધવાર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર,  રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3-4 ડીગ્રીનો વધારો થઈ શકે છે. આગામી બે દિવસમાં જ અમદાવાદમાં ગરમીનો પારો 40 ડીગ્રીથી વધી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. ત્યાં બેથી ચાર ડીગ્રી સુધી તાપમાન વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન છે, જેથી આગામી ચારથી પાંચ દિવસ સરેરાશ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થઈ શકે છે.