ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાનું લાંબી સારવાર બાદ નિધન થયું છે. અનિલ જોશીયારાને કોરોના થયો હતો અને તેઓ ચેન્નાઈ ખાતે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડૉ. અનિલ જોશીયારાનું 69 વર્ષની વયે નિધન થયું છે. ડૉ. અનિલ જોશીયારાના વતન ભિલોડામાં તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.
રાજ્યમાં આવેલી કોરોનાની ત્રીજી લહેરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ધારાસભ્ય ડૉ. અનીલ જોશીયારા કોરોના સંક્રમિત થયા હતા. જાન્યુઆરી મહિનાના અંતમાં ડૉ. અનીલ જોશીયારાની તબિયત બગડતાં તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને વધુ સારવાર માટે ચેન્નાઈ ખાતે કોરોનાની સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ચેન્નાઈ ખાતે લાંબી સારવાર ચાલ્યા બાદ આજે બપોરે ડૉ. અનિલ જોશીયારાનું નિધન થયું છે.
અનિલ જોશીયારાના નિધન બાદ યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં સ્વ. અનિલ જોશીયારાને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. યુથ કોંગ્રેસના તમામ કાર્યકરોએ મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અનિલ જોશીયારા ભિલોડા વિધાનસભા સીટના ધારાસભ્ય હતા. તેઓ ગુજરાતના પૂર્વ આરોગ્યમંત્રી પણ રહ્યા હતા. અનિલ જોશીયારા વર્ષ 1995થી અત્યાર સુધી ભિલોડા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.
ઐતિહાસિક ઘટનાઃ
ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં આજે ઐતિહાસિક ઘટના બની હતી. ગુજરાત વિધાનસભાની કામગીરી દરમિયાન 20 વર્ષ બાદ અધ્યક્ષની ખુરશી પર બેસવાની તક કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાને મળી હતી. ડૉ. અનિલ જોશીયારાએ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે ગૃહનું સંચાલન કર્યું હતું. 20 વર્ષ બાદ અધ્યક્ષની ખુરશી પર કોઈ કોંગ્રેસ નેતાએ બેસીને ગૃહનું સંચાલન કર્યું હતું તેથી તે એક ઐતિહાસિક ઘટના હતી.
આ પણ વાંચોઃ