અમદાવાદ: રાજ્યમાં ગરમીમાં શેકવા માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે આગાહી કરી છે કે સામાન્ય કરતાં લઘુતમ તાપમાનમાં ચાર ડિગ્રી જેટલો વધારો થશે. તાપમાનમાં વધારો થવાના કારણે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૯.૨ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન 17.9 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું છે. ભાવનગર નું મહત્તમ તાપમાન 35.8 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વેહલીસવારે ઠંડીનો ચમકારો જોવા મળે છે અને બપોરે ગરમીનો અનુભવ થાય છે.રાજ્યમાં ગરમીનો પારો ત્રણથી ચાર ડિગ્રી વધ્યો છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રીને વટાવી ગયું છે. જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી છે. આગામી સાત દિવસ ગુજરાતમાં હજી કેટલી ગરમી વધશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગના અમદાવાદના ડાયરેક્ટર એ.કે. દાસે આગાહીમાં જણાવ્યું કે, હાલ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે પરંતુ તાપમાન સામાન્ય ઊંચું જશે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે. આ સાથે આજે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ સાથે મહત્તમ તાપમાન 35 ડિગ્રી જવાની આગાહી છે. હાલ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.
રાજધાનીમાં વાદળો રહેશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 18 ફેબ્રુઆરીએ રાજધાનીમાં હળવા વાદળો છવાઈ શકે છે અને સવારે હળવું ધુમ્મસ પણ થઈ શકે છે. દિલ્હીમાં 19 અને 20 ફેબ્રુઆરીએ હળવો વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે વાતાવરણ ઠંડુ થઈ શકે છે. તેમજ 20-25 કિમી પ્રતિ કલાકની ઝડપે સપાટી પરના પવનની પણ શક્યતા છે.
રાજસ્થાનમાં હવામાન ફરી બદલાશે
રાજસ્થાનમાં 18 ફેબ્રુઆરીથી હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે. બિકાનેર અને જોધપુર ડિવિઝનમાં હળવો વરસાદ પડી શકે છે. 18 અને 19 ફેબ્રુઆરીએ જયપુર, ભરતપુર અને જોધપુર વિભાગ સહિત રાજ્યના ઘણા ભાગોમાં વરસાદની સંભાવના છે.
બિહારમાં કેવું રહેશે હવામાન ?
હાલમાં બિહારમાં હવામાન શુષ્ક છે. બિહારના બક્સરમાં સૌથી વધુ 28.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે બાંકા 8.8 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડું હતું. છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં તાપમાનમાં વધુ વધારો થશે, ત્યારબાદ ઘણા ભાગોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.