Ambalal Patel Rain forecast: ગુજરાતમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો પ્રકોપ હજુ શાંત થયો નથી, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં રાજ્ય પર એક મોટા હવામાન સંકટની આગાહી કરી છે. તેમના મતે, અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ અને વિનાશક પવનો ફૂંકાઈ શકે છે.
૨૧ મેથી વાતાવરણમાં પલટો અને ચક્રવાતનું નિર્માણ:
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આગામી ૨૧ મે, ૨૦૨૫ થી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શરૂઆત થશે. એક પછી એક સિસ્ટમ સક્રિય થશે અને અરબી સમુદ્રમાં ચક્રવાત (વાવાઝોડું) બનશે. ખાસ કરીને, મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે, જે વાવાઝોડામાં પરિવર્તિત થશે.
દરિયાકાંઠાના વિસ્તારો વધુ પ્રભાવિત, ઊંચા મોજા અને ૧૦૦ કિમી પવન:
આ ચક્રવાતની સીધી અસર દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે. અંબાલાલ પટેલના મતે, દરિયામાં ઊંચા મોજા ઉછળશે અને દરિયાઈ કાંઠાના વિસ્તારો વાવાઝોડાથી વધુ પ્રભાવિત થશે. દરિયાઇ કાંઠે પવનની ગતિ ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેવાની શક્યતા છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ:
આ ચક્રવાત સક્રિય થવાને કારણે ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલે મે મહિનાના અંતમાં, ખાસ કરીને ૨૩ મે થી ૩૧ મે સુધી ગુજરાતભરમાં કમોસમી માવઠાની આગાહી કરી છે, જેના કારણે ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાશે.
વિસ્તારવાર વરસાદની આગાહી:
અંબાલાલ પટેલના વરતારા મુજબ, રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની તીવ્રતા અલગ અલગ રહી શકે છે:
- ભારેથી અતિભારે વરસાદ અને ભારે પવન: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો.
- ભારે વરસાદનું અનુમાન: સુરત, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, દાદરા નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ.
- અતિભારે વરસાદ (પવન સાથે): કચ્છ જિલ્લામાં પણ અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
- ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન (સૌરાષ્ટ્ર): જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, અમરેલી, ચોટીલા સહિત સૌરાષ્ટ્રના ભાગો.
- ગાજવીજ સાથે વરસાદનું અનુમાન (મધ્ય ગુજરાત): અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિત મધ્ય ગુજરાતના ભાગો.
- સામાન્યથી મધ્યમ વરસાદ (પવન સાથે): બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાતના ભાગો.