અમદાવાદ: ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, આગામી 10-11 તારીખ સુધી વરસાદ યથાવત રહેશે. મધ્યપ્રદેશ ઉપર રહેલી સિસ્ટમ ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે. જે રાજ્યના મધ્ય ભાગમાંથી થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થવાની છે.
રાજ્યમાં ચોમાસાની પેટર્નમાં બદલાવ થયો
પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે તેના કરતાં હવેના વરસાદની તીવ્રતા વધશે. એકાદ દિવસમાં વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થશે. હાલ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. બદલતા હવામાનના કારણે રાજ્યમાં ચોમાસાની પેટર્નમાં બદલાવ થયો છે. આ વર્ષે ચોમાસાની સિઝનની શરૂઆતમાં 39 ટકા વરસાદ વરસી ગયો છે. ચાર મહિના ચાલતી ચોમાસાની સિઝનના પહેલા જ મહિનામાં અડધા કરતા વધુ વરસાદ પડી ગયો છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે. ધીમે ધીમે મધ્યપ્રદેશનું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધશે, જેથી ગુજરાતમાં 11 તારીખ સુધી સારા વરસાદ થવાના છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમની આગાહીમાં કહ્યું કે, 12 જુલાઈ સુધીમાં રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી નથી. આ વખતનું ચોમાસું બધે સરખું નથી.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે સાત દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આગામી સાત દિવસ રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
આજે 12 જિલ્લા અને બે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 16 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડની સાથે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, દીવ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.