ગીર સોમનાથ: ઉના તાલુકાના ઓલવાણ ગામમાં ખાણ માલિકની હિસાબ મુદ્દે ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. પથ્થરની ખાણમાં પૈસાના હિસાબ મુદ્દે ગત રાત્રે ખાણના મહેતાજીએ જ માલિકની હત્યા કરી નાખી હતી. મહેતાજી તરીકે કામ કરતા ભીમા કરશન ગઢવીએ ખાણના માલિક ભુપત રાજસી રામની ગોળી મારી હત્યા નીપજાવતા ઉના પંથકમાં ખળભળાટ મચી ગયો છે.  નવાબંદર મરીન પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 


બંદૂક વડે ભૂપતભાઈની છાતી ઉપર  ફાયરિંગ કર્યું


ઉના તાલુકાના ઓલવાણ ગામ નવાબંદર મરીન પોલીસ સ્ટેશન હેઠળ આવેલ છે. ગત રાત્રે વાડી વિસ્તારમાં અંધુ નામની સીમમાં રહેતા ભૂપતભાઈ રાજશીભાઈ રામની માલિકીની પથ્થરની ખાણ  છે. જ્યાં ખાણનો હિસાબ કિતાબ કરવા મહેતાજી તરીકે ભીમાં કરશન ગઢવી હોય જેમાં ગત રાત્રે હિસાબ બાબતે અથવા અન્ય કોઈ કારણસર ભૂપત રાજશીભાઈ રામ અને ભીમા કરશન ગઢવી વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ ભીમા કરશન ગઢવીએ પોતાની પાસે રહેલ બંદૂક વડે ભૂપતભાઈની છાતી ઉપર  ફાયરિંગ કર્યું હતું. ખાણ માલિક લોહી લુહાણ હાલતમાં પડી જતાં ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ખાણ માલિકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મોકલવામાં આવ્યો છે. 


ભુપતભાઇના પત્ની જશુબેન અને તેના બંને સંતાનોને જેઠ જેઠાણી ચાલીને વાડીએ મુકવા આવ્યા હતા. તેઓ ઘરના ખૂણા પાસે પહોંચ્યા ત્યારે ફટાકડા ફૂટવા જેવો અવાજ સંભળાયો હતો. જશુબેન અને તેના જેઠ જેઠાણી ઘરમાં જતા મેતાજી ભીમો ગઢવી ઓફિસમાંથી બંદૂક જેવા હથિયાર સાથે નીકળતા જોવાં મળ્યો હતો. ઓફિસમાં જતા ભુપતભાઇ નીચે પડયા હતા અને તેના છાતીના ગોળીથી થયેલી ઇજાના કારણે લોહી નીકળતું હતું. આ અંગે જાણ થતાં ભુપતભાઇના ભાઈ સહિતના સગા સંબંધીઓ ત્યાં આવી ગયા હતા અને ભુપતભાઇને ઉના સારવારમાં ખસેડયા હતા. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. 


ખાણ માલિકની હત્યાને લઈ ઉના પંથકમાં હાહાકાર


હાલ તો ખાણ માલિકની હત્યાને લઈ ઉના પંથકમાં હાહાકાર મચી ગયો છે.  નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ખાણ માલિકના પત્ની જશુબેન ભૂપતભાઈ રામએ આરોપી ભીમા કરશન ગઢવી સામે હત્યાની ફરિયાદ દાખલ કરી છે. આ બનાવ બનતા ઉના પ્રાંતના મદદનીશ પોલીસ અધિક્ષક એમ.એફ. ચોધરી, સીપીઆઇ જાડેજા અને નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જે. બાંટવાની ટીમે જુદી-જુદી ટીમ બનાવી આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો છે.