Gujarat assembly election 2022: વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી જીતવા તમામ પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે મહિલાઓ ચૂંટણી પ્રચારમાં મેદાને ઉતરી છે. જેમાં અનંત પટેલના પત્ની પોતાના પતિ માટે મત માંગવા મેદાને ઉતર્યા છે, તો બીજી તરફ ભાજપના ઉમેદવાર એવા પિયુષ પટેલ વડીલો સાથે ભોજન લઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હાલ થોડા દિવસો બાકી છે ત્યારે પ્રચારના ધમધોકારા જોરશોરથી થઈ રહ્યા છે. જે વચ્ચે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય આનંદ પટેલના પત્ની પોતાના પતિના પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. વહેલી સવારે ઘરેથી જમવાનું બનાવીને ચૂંટણી પ્રચાર માટે નીકળી વાસણા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં ગામેગામ જઈને પોતાના પતિ માટે વોટીંગ કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય અનંત પટેલનો વિજય મોટી સરસાઈથી થયો હતો ત્યારે આ વખતે તેમના ધર્મ પત્ની પણ મેદાને ચૂંટણી પ્રચાર માટે ઉતર્યા છે.


ચૂંટણીના પ્રચાર માટે તમામ જે પક્ષો છે તે અનોખા નુસખા અપનાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ પ્રચાર માટે મેદાનને ઉતર્યા છે. જેમાં વાંસદા વિધાનસભા 77 મત વિસ્તારના ગામોમાં ઘરે ઘરે જઈને વડીલો સાથે ભોજન કરીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ વાંસદા તાલુકામાં જે નાયબ મામલતદાર એવા પિયુષ પટેલને મેદાને ઉતાર્યા છે. જોકે કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ અને ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ વચ્ચે કાંટાની ટક્કર જામે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થયું છે. મહત્વનું છે કે ચૂંટણી કોઈ પણ હોય પરંતુ અંતિમ દિવસોમાં થયેલો પ્રચાર અસરકારક સાબિત થતો હોય છે. જેમાં વાંસદા તાલુકામાં કોંગ્રેસના અનંત પટેલના પત્નીનો પ્રચાર રંગ લાવશે કે પછી ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ જંગ જીતશે તે હવે જોવું રહ્યું.


નાના ભાઈને જીતાડવા મેદાનમાં આવ્યા જગદીશ ઠાકોર


બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા અમૃત ઠાકોરના સમર્થનમાં તેમના મોટાભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરએ જંગી જાહેર સભાને સંબોધી હતી. ભાજપ પર આકરા પ્રહારો કરી તેમના ભાઈ અમૃત ઠાકોરને જીતાડવા આહવાન કર્યું હતું. બીજા તબક્કાના મતદાનને લઈને હવે કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને  કોંગ્રેસ સીટો જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે અને ઠેર ઠેર પ્રદેશના નેતાઓ જનસભા કરી રહ્યા છે. બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભા બેઠક પરથી મંત્રી કિર્તીસિંહ વાઘેલા સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરના નાનાભાઈ અમૃત ઠાકોરના સમર્થનમાં આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર કાંકરેજ પહોંચ્યા અને કાંકરેજ ખાતે તૈયાર થયેલા મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મૂક્યું અને તે બાદ બાઈક રેલી યોજી સભા સ્થળે પહોંચ્યા હતા.


 મંત્રી કિર્તીસિંહ વાઘેલાના ગઢમાં જ જનસભા સંબોધી ત્યારે સભામાં પહોંચેલી જન મેદનીને સંબોધતા જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કોંગ્રેસે કરેલા કામો પણ ગણાવ્યા. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કાંકરેજથી તેમના નાના ભાઈ અમૃત ઠાકોરને જંગી બહુમતીથી જીતાડવા લોકોને હાકલ કરી.