Gopal Italia MLA: વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પ્રથમવાર મુલાકાત કરી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વિસાવદર વિધાનસભાના પાંચ મહત્વના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને સીધી રજૂઆત કરવાનો હતો. ઇટાલિયાએ ઇકો-ઝોન રદ કરવા, પાક વીમા સહાયની ચુકવણી, ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ, સોલર અને વિન્ડ ફાર્મ પર મિલકત વેરા અને માલધારીઓને ઢોર બાંધવા માટે જગ્યા ફાળવવા જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રીએ આ મુદ્દાઓ પર યોગ્ય વિચારણા કરવાની ખાતરી આપી છે.

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિસાવદરના પાંચ મુખ્ય પ્રશ્નો અંગે રજૂઆત કરી. જેમાં 196 ગામોમાં ઇકો-ઝોન રદ કરવાની, પાક વીમા સહાયનો અમલ કરવાની, ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ 40% પ્લોટ લેવાની નીતિને ગેરવ્યાજબી ગણાવી યોગ્ય અમલ કરવાની, સોલર અને વિન્ડ ફાર્મ પર મિલકત વેરો લાદીને ₹8,000 કરોડની આવક ઊભી કરવા અને માલધારીઓને ઢોર બાંધવા માટે જગ્યા ફાળવવાની માંગણીઓ સામેલ છે. ઇટાલિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે મુખ્યમંત્રીએ આ મુદ્દાઓ પર વિચારણા કરવાનું આશ્વાસન આપ્યું છે.

  1. ઇકો-ઝોન રદ કરવાની માંગ

ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને વિસાવદરના 196 ગામોમાં લાગુ થયેલા ઇકો-ઝોનને રદ કરવાની રજૂઆત કરી. તેમણે આસામ સરકારનું ઉદાહરણ આપતા જણાવ્યું કે જે રીતે ત્યાં ઇકો-ઝોન રદ કરવામાં આવ્યો હતો, તે જ રીતે ગુજરાત સરકારે પણ આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. ઇકો-ઝોનને કારણે ખેતી અને વિકાસના કામોમાં અવરોધ ઊભા થાય છે, જેનાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડે છે.

  1. પાક વીમા સહાયનો અમલ

ઇટાલિયાએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકાર દ્વારા પાક વીમા સહાય અંગે લેવાયેલા નિર્ણયનો અમલ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે તે સમયે સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી, તેનો વર્તમાન સરકારે અમલ કરીને ખેડૂતોને પાક વીમા સહાય ચૂકવવી જોઈએ.

  1. ટાઉન પ્લાનિંગ સ્કીમનો યોગ્ય અમલ

જૂનાગઢ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ પોતાના કેટલાક ગામોનો ઉલ્લેખ કરતા ઇટાલિયાએ ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ સરકાર દ્વારા જમીન માલિક પાસેથી 40% પ્લોટ લઈ લેવાની નીતિને ગેરવાજબી ગણાવી. તેમણે કહ્યું કે ટાઉન પ્લાનિંગ એક્ટનો દૂરુપયોગ થઈ રહ્યો છે અને આ સ્કીમનો યોગ્ય રીતે અમલ થવો જોઈએ.

  1. સોલર અને વિન્ડ ફાર્મ પર મિલકત વેરો:

ગોપાલ ઇટાલિયાએ રજૂઆત કરી કે હાલમાં સોલર ફાર્મ અને વિન્ડ ફાર્મ પર કોઈ પણ પ્રકારનો મિલકત વેરો લેવામાં આવતો નથી. તેમણે સુપ્રીમ કોર્ટની દલીલોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે જમીન અને મકાન સિવાયના સ્ટ્રક્ચર પર મિલકત વેરો ન લઈ શકાય તેવી દલીલો હતી. જોકે, તેમણે માંગ કરી કે આ બંને ઉદ્યોગો પર ટેક્સ લાદવામાં આવે, જેનાથી રાજ્ય સરકારને ₹8,000 કરોડની આવક થઈ શકે છે.

  1. માલધારીઓને વાડા ફાળવવા:

અંતમાં, ઇટાલિયાએ માલધારી પરિવારો માટે વાડા ફાળવવાની રજૂઆત કરી. તેમણે સરકારને વિનંતી કરી કે માલધારીઓને તેમના ઢોર બાંધવા માટે ભાડાપટ્ટાથી જગ્યા ફાળવવામાં આવે, જેથી તેઓ પોતાનો વ્યવસાય સરળતાથી ચલાવી શકે.