Rain in Saurashtra : હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર  અને પોરબંદર જિલ્લામાં વરસાદ પડ્યો છે. 


સુરેન્દ્રનગરના મુળીમાં કરા સાથે વરસાદ 
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દાણાવાડ ગામમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો. મુળી, કુકડા, દિગસર, દાણાવાડા સહીતના ગામોમાં વરસાદ પડ્યો. વરસાદ સાથે ભારે પવન ફુંકાતા અમુક મકાનોના પતરા પણ ઉડી ગયાં. તો મેઘરાજાના આગમનથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા. 


રાજકોટના ત્રણ તાલુકાઓમાં વરસાદ 
રાજકોટ જિલ્લાના ત્રણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર,  લોધિકા અને જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો. લોધીકાના નગરપીપળીયા ગામે જોરદાર વરસાદ પડતા ખેડૂતોના ખેતરોના પાણી ભરાયા. લોધિકા તાલુકાના અમુક ગામડાઓમાં વાવણીલાયક વરસાદ પડ્યો.વહેલી વાવણી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.


બોટાદના બરવાળા તાલુકામાં વરસાદ 
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં બરવાળા શહેર સહિત સમગ્ર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અતિભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો.  બરવાળા તાલુકાના ચોકડી, ભીમનાથ, નભોઈ, પીપરીયા, બેલા, ખાંભડા, રામપરા, કાપડીયાળી, નાવડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો. સમગ્ર તાલુકામાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી.વાવણી લાયક વરસાદ થવાથી ખેડૂતોમાં આનંદ છવાયો છે. 


અમરેલીના સાવરકુંડલામાં સતત ચોથા દિવસે વરસાદ 
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા ત્રણ દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આજે 11 જૂને સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. આજે ચોથા દિવસે પણ સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો. વીજપડી, ગોરાડકા, ખડસલી, ભમર, છાપરી સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અમરેલીના વડિયામાં પણ વરસાદ પડ્યો છે. 


જૂનાગઢમાં વરસાદ 
જૂનાગઢ શહેર અને વિસાવદરમાં વરસાદ પડ્યો છે. વિસાવદર પંથકમાં ઝરમર વરસાદ પડ્યો, ભારે ઉકળાટ વચ્ચે હળવા ઝાપટાં પડયા. વિસાવદરમાંવહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ હતું 
હળવાં ઝાપટાથી ગરમીમાં રાહત થઇ છે. તો બીજી બાજુ જૂનાગઢ શહેરમાં પણ વરસાદ પડ્યો છે. જૂનાગઢ શહેરમાં આઝાદ ચોક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. 


ગીર સોમનાથ અને પોરબંદરમાં વરસાદ 
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં વરસાદ પડ્યો. 
ગીરગઢડા નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. ફ્રરેડા, જાખીયા,  બાબરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો. તો પોરબંદરના કુતિયાણામાં રાત્રે 9 વાગ્યે વરસાદ પડ્યો.