Gujarat Rain Forecast: ગુજરાતમાં અષાઢી બીજે અનેક જગ્યાએ અમી છાંટણા થયા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ. ઓલપાડ બાદ ઉમરપાડા તાલુકા માં પણ શરૂ થયો વરસાદ. નેશનલ હાઇવે 48 ના સર્વિસ રોડ પર ફરી પાણી ભરાયા છે.
લાંબા વિરામ બાદ વેરાવળ સોમનાથમાં પણ ફરી મેઘરાજા ની પધરામણી થતાં લોકોમાં ખુશી જોવા મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગરમી અને બફારાથી રાહત મળી છે. વહેલી સવારથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ઝાપટા વરસી રહ્યાં છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદની શરૂઆત થતાં જગતના તાતને સારા વરસાદની આશા જાગી છે. વાવણી બાદ વરસાદ ની રાહ જોતા ખેડૂતોમાં પણ ઝરમર વરસાદથી ખુશી મળી રહી છે.
પાટણ જિલ્લામાં પણ લાંબા વિરામબાદ મોડી રાતે મેઘરાજાનું આગમન થયું હતું. પાટણ અને સરસ્વતી તાલુકામાં લાંબા વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારમા વરસાદ વરસતાં ઘરતી પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ગુરુવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. નવસારી શહેરમાં ધીમીધારે વરસાદ વરસતા ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી. શહેર ઉપરાંત નવસારી જિલ્લાના આસપાસના અનેક ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
બીજી તરફ, સુરત જિલ્લાના ઓલપાડ અને ઉમરપાડા પંથકમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. ઉમરપાડા તાલુકાના કેવડી, ઉમરગોટ, ચવડા સહિતના ગામોમાં સારો વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું.સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં પણ વરસાદને પગલે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાનમાં આવેલા આ બદલાવથી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયી માનવામાં આવી રહ્યો છે, જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે.
