Rain: રાજ્યમાં ઉકળાટ અને અસહ્ય ગરમી વચ્ચે લોકોને વરસાદથી રાહત મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદથી સ્થિતિ વિકટ બની છે. ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેસી ગયુ છે, ગુજરાતના 221 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં બોટાદના ગઢડામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ વરસાદ ખાબક્યો છે, અને આ ઉપરાંત પાલીતાણામાં 11.9 ઈંચ અને સિહોરમાં 11.6 ઈંચ વરસાદે એકબાજુ ઠંડક આપી છે તો બીજીબાજુ તબાહી પણ મચાવી છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કર્યુ છે. 

સૌરાષ્ટ્રમાં ચોમાસાનો પ્રચંડ પ્રારંભ થઇ ચૂક્યો છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ગઇકાલથી જબરદસ્ત રીતે મેઘરાજાની બેટિંગ જોવા મળી છે, અનેક તાલુકાઓમાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે, અને કેટલાક ડેમોમાં નવા નીરની આવકો શરૂ થઇ ચૂકી છે. તાજા માહિતી પ્રમાણે, બોટાદ, ભાવનગર, અમરેલી જિલ્લો પ્રથમ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. જેમાં ગઢડા 14 ઈંચ અને બોટાદ 11 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયુ છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં પાલીતાણામાં 11.9 ઈંચ, સિહોરમાં 11.6 ઈંચ, ઉમરાળામાં 10.4, મહુવામાં 9 ઈંચ, સાવરકુંડલામાં 10 ઈંચ અને વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ નોંધાયો છે. 

ભાવનગર જિલ્લાને આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ઘમરોળ્યા હતા. ખાસ કરીને જેસરમાં તો જાણે આભ ફાટયું હોય તેમ સવારે ૬થી સાંજના ૬ કલાક સુધીમાં ધોધમાર સાડા દસ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.ં ભારે વરસાદના પગલે તળાજાના વાલર ગામની બગડ નદીમાં ફસાયેલા પાંચ વ્યક્તિ તેમજ મહુવાના તલગાજરડામાં કોઝવે પાસે સ્કૂલ બસ ફસાતા વહીવટી તંત્ર અને ગ્રામ્ય જનતાએ જીવના જોખમે ૩૬ વિદ્યાર્થીઓને બચાવી બહાર કાઢી લીધા હતા. તળાજી નદી, બગડ નદી, ગૌતમેશ્વર તળાવ, માલણ ડેમ વગેરે બે કાંઠે-ઓવરફ્લો થતાં આસપાસના ગામો-વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા.