Rain, Gujarat Weather: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયુ છે, છેલ્લા 24 કલાકમાં 227 તાલુકાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે, આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદે એન્ટ્રી મારી છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના 10થી વધુ જિલ્લાઓ અને અમદાવાદ સાથે ગાંધીનગર પણ સામેલ છે. આજે બુધવારના દિવસે હવામાન વિભાગે આજે દિવસભર માટે અમદાવાદ સહિત રાજ્યના 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્રમાં ફરી એકવાર મોટા વરસાદી રાઉન્ડ આવી શકે છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, દ્વારકા અને પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે. ખાસ વાત છે કે, આગામી ત્રણ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે  છે. 

મહત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં 227 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, પરંતુ આજે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે, આજે 59 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના વાલોડમાં 1.26 ઈંચ વરસાદ વરસ્યો છે, આ ઉપરાંત નીઝરમાં 1.18 ઈંચ, સુરતના ઓલપાડમાં 0.87 ઇંચ, માંગરોળમાં 0.75 ઈંચ, ડાંગના સુબિરમાં 0.55 ઇંચ, બાલાસિનોરમાં 0.55 ઈંચમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો છે.

આજે બુધવાર એટલે 24 કલાક માટે અમદાવાદ, આણંદ, ભરૂચ, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. હવામાન વિભાગ પ્રમાણે 24 કલાક બાદ એટલે કે ગુરુવારે અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.