Gujarat Rain: ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લઈ લીધી છે. હવામાન વિભાગે આજે જણાવ્યું કે, ચોમાસાએ રાજ્યમાંથી સંપૂર્ણ વિદાય લીધી છે. ચોમાસાની વિદાય સાથે આજે સવારે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ટ્રાન્જેસ્ટ મહિનો હોવાથી ઠંડી અને ગરમીનું વાતાવરણ રહે છે. બપોરે ગરમી જ્યારે સવાર અને સાંજે ઠંડક અનુભવાય છે. જોકે હાલ ખરી ઠંડીની શરૂઆત નથી થઈ. આગામી 5 દિવસ આવું જ તાપમાન યથાવત રહેશે. હાલ અમદાવાદમાં મિનિમમ 22 ડિગ્રી જ્યારે મેક્સિમમ 35 ડિગ્રી તાપમાન છે. જ્યારે ગાંધીનગરમાં મિનિમમ 21 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે.
અરેબિયન સીમાથી ભેજ વાળા પવન ફુંકાવાને લઈને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આગામી 5 દિવસ વરસાદની કોઈપણ સિસ્ટમ બનવાની શક્યતા નહિવત છે. હાલ ગરમી અને ઠંડીની બેવડી ઋતુ ચાલી રહી છે. હાલમાં ચાલી રહેલી ઋતુને પોસ્ટ મોનસુન ટ્રાન્ઝિસ્ટ મહિનો કહેવાય છે.
દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીના કારણે લોકોને સવારે અને મોડી સાંજે ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. ખાસ વાત એ છે કે મંગળવારે દિલ્હીમાં આ સીઝનનું રેકોર્ડ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD ફોરકાસ્ટ) અનુસાર, 3 ઓક્ટોબરે દિવસનું લઘુત્તમ તાપમાન 18.3 ડિગ્રી નોંધાયું હતું, જે સોમવાર કરતાં બે ડિગ્રી ઓછું છે. હવામાન અનુસાર, તે સામાન્ય કરતાં ચાર ડિગ્રી ઓછું છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીની સ્ટાન્ડર્ડ ઓબ્ઝર્વેટરી સફદરજંગ ખાતે લઘુત્તમ તાપમાન 18.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સોમવારે શહેરનું મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20.1 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી ઓછું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે. IMD અનુસાર, સાંજે 5:30 વાગ્યે સાપેક્ષ ભેજ 50 ટકા હતો.
દિલ્હીનું હવામાન 9 ઓક્ટોબર સુધી સ્વચ્છ રહેશે
IMDની આગાહી અનુસાર, બુધવારે મહત્તમ દિવસનું તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે. બુધવારે દિવસ દરમિયાન વાતાવરણ સ્વચ્છ રહેશે. વાતાવરણમાં હજુ ભેજ રહેશે. 4 થી 9 ઓક્ટોબર દરમિયાન દિલ્હીનું હવામાન આંશિક વધઘટ સાથે સ્વચ્છ રહેવાની ધારણા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી છે.