કોઇપણ રાજ્યની સરકાર શ્રમયોગી કે મજૂર વર્ગને પૌષ્ટિક ભોજન તૈયાર કરીને સાવ નજીવા દરે આપે એનાથી રૂડું બીજું શું હોઈ શકે ? આવા શુભ આશય સાથેની ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ શરુ કરીને ગુજરાત સરકારે શ્રમિકો માટે એક નવી કેડી કંડારી છે. રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે, ઉપરાંત તેમનું આર્થિક ભારણ પણ ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા માત્ર રૂ. ૫/-ના રાહત દરે તેમને ભરપેટ ભોજન આપવામાં આવે છે. રાજ્યમાં અત્યારે ૧૦ જિલ્લામાં કુલ ૧૧૮ કડિયાનાકાઓ ખાતે આ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.
યોજનાની જરૂરિયાત કેમ ?
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાંથી રોજગારીની શોધમાં અનેક શ્રમજીવી પરિવારો શહેરોમાં આવે છે. બાંધકામ સ્થળો ખાતે રોજગારી મેળવવા તેઓ રોજ સવારે કડીયાનાકા પર એકત્રિત થાય છે, જેથી તેમણે વહેલી સવારે રસોઈ કરવી પડે છે. કેટલાક તો સવારે માત્ર નાસ્તો કરીને જ આખો દિવસ કામ કરતા હોય છે,જેના કારણે તેમને પોષણયુક્ત આહાર મળતો નથી. સવારે કડીયાનાકા પરથી જ શ્રમયોગીઓને રાહત દરે પૌષ્ટિક અને સાત્વિક આહાર આપવામાં આવે તો તેઓ તંદુરસ્ત રહીને વધુ કામ કરી શકે. આવા શુભ આશય સાથે ગુજરાતમાં વર્ષ ૨૦૧૭માં ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ શરુ કરવામાં આવી હતી.
રોજ ૨૨ હજાર શ્રમિકોને મળે છે લાભ
શ્રમિક અન્નપૂર્ણા યોજના શરુ થઇ ત્યારથી લઇ વર્ષ ૨૦૨૦ સુધીમાં કુલ ૧.૧૫ કરોડથી વધુ પ્લેટ ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે આ યોજનાને સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યના શ્રમયોગીઓના હિતાર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વર્ષ ૨૦૨૨માં આ યોજના ફરી એકવાર કાર્યરત કરવામાં આવી હતી. હાલમાં રાજ્યના વિવિધ કડીયાનાકાઓ ખાતેથી રોજના સરેરાશ ૨૨ હજારથી વધુ શ્રમિકોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના ફરી શરુ થઇ ત્યારથી આજ સુધીમાં કુલ ૪૬.૯૧ લાખથી વધુ ભોજન પ્લેટનું વિતરણ કરાયું છે.
કયા જિલ્લામાં કેટલા ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત ?
રાજ્યમાં હાલ અમદાવાદ જિલ્લામાં ૪૭, ગાંધીનગર જિલ્લામાં ૦૪, વડોદરા જિલ્લામાં ૧૨, સુરત જિલ્લામાં ૧૮, રાજકોટ જિલ્લામાં ૯, વલસાડ જિલ્લામાં ૬, મહેસાણા જિલ્લામાં ૭, નવસારી જિલ્લામાં ૩, પાટણ જિલ્લામાં ૮ અને ભાવનગર જિલ્લામાં ૪ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. આમ, રાજ્યના ૧૦ જિલ્લામાં કુલ ૧૧૮ કડીયાનાકાઓ ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. આ ઉપરાંત જે બાંધકામ સ્થળ ખાતે ૫૦થી વધુ શ્રમિકો હોય તેવી બાંધકામ સાઈટ પર જઈને સ્થળ ઉપર જ ભોજન વિતરણ કરવામાં આવે છે.
મળતું ભોજન અને તેનું પ્રમાણ
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ.૫/-માં શ્રમિક પરિવારને રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ સહિતનું સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. વધુમાં સપ્તાહમાં એક વાર સુખડી કે શીરા જેવા મિષ્ટાન્નનો પણ સમાવેશ કરવામાં આવે છે. એક ભોજનમાં શ્રમિકના જરૂરિયાત મુજબ અંદાજે ૬૨૫ ગ્રામ અને ૧૫૨૫ કેલેરી ભોજન આપવામાં આવે છે, જેથી તેઓ તંદુરસ્ત રહી શકે.
આગામી આયોજન
રાજ્યના વધુમાં વધુ બાંધકામ શ્રમિકો સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ છે. એટલા માટે જ, વર્ષ ૨૦૨૩-૨૪ના અંત સુધીમાં રાજ્યમાં કુલ ૧૫૦ કડીયાનાકાઓ પર ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાનું આયોજન છે.જેમાં દરરોજ અંદાજીત ૨૫ હજાર કરતાં વધુ શ્રમયોગીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચાડવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના અંદાજપત્રમાં રૂ. ૫૦.૪૦ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ગુજરાત અત્યારે દરેક ક્ષેત્રે પૂરવેગ સાથે અગ્રીમ હરોળ તરફ આગળ વધી રહેલું રાજ્ય છે. રાજ્યના શ્રમયોગી પરિવારોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે ‘શ્રમેવ જયતે’ના મંત્ર સાથે રાજ્ય સરકારે વિશેષ આયોજન કર્યું છે. શ્રમિકો માટેની મહત્વકાંક્ષી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’થી આજે રાજ્યના અનેક શ્રમિક પરિવારોને ખાસ કરીને મહિલા શ્રમિકોને ઘણી રાહત મળી છે.