આગામી 24 કલાકમાં ગુજરાતમાં કઈ-કઈ જગ્યા થઈ શકે છે ધોધમાર વરસાદ? જાણો વિગત
abpasmita.in | 19 Jun 2019 09:00 AM (IST)
કચ્છ પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી આ વરસાદી માહોલ સર્જાયો હોવાનું જાણવા મળ્યું રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
મંગળવારે ‘વાયુ’ વાવાઝોડાની અસરને કારણે ગુજરાતના મોટા ભાગોમાં હળવાં ઝાપટાંથી લઈને ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેમાં 2 ઈંચથી 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે આગામી 24 કલાક હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ પર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી આ વરસાદી માહોલ સર્જાયો હોવાનું જાણવા મળ્યું રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી, દિવ અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ થવાની સંભાવના હાલ વર્તાઈ રહી છે. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને NDRFની એક ટીમ બનાસકાંઠા અને પાટણમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર પણ સાબદું થઈ ગયું છે.