હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દીવ અને સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાશે તેવું કહેવું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં કડાકા-ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. અનેક જગ્યાએ ભારે વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. ઉના અને ગીરમાં 4-4 ઈંચ, દિવમાં 2.5 ઈંચ અને ગિર ગઢડામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉના અને ગીરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈને ગીર ગઢડાના શાંગાવાડી નદીમાં પૂર આવ્યું હતું.