ગાંધીનગર: બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પ્રવાસ પર આવવાના છે. આ જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ વિવાદ શરુ થઈ ગયો છે. કેટલાક લોકો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસ અંગે મોરારીબાપુએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે મોરારીબાપુએ કહ્યું, હું સંવાદનો માણસ છું. હું વિવાદમાં કોઈ કોમેન્ટ કરતો નથી. મે છાપામાં વાચ્યું છે કે, હનુમાન કથા કરવા આવે છે એટલું જ જાણું છું.
મોરારીબાપુએ આ અંગે વધુમાં કહ્યું કે, હું સંવાદનો ગ્રંથ લઈ જગતમાં સંવાદની વાત કરું છું, વિવાદ બાબતે હું કંઈ ના કહી શકું. હું સંવાદને સ્વીકારું છું. સૌ પોત પોતાની રીતે કરે છે, હું વ્યાસપીઠ પરથી કરું છું. ચમત્કાર મારો વિષય નથી. હું હરિનામ લઉ છું અને હરિ નામ લેવડાવું છું.
ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ છે, ખોટા ચમત્કારના નાટક બંધ થવા જોઈએઃ શંકરસિંહ વાઘેલા
જ્યારથી બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવવાના છે તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ વિવાદ શરુ થઈ ગયો છે. કેટલાક લોકો બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં આવ્યા તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ, સુરત અને અમદાવાદમાં યોજાવાનો છે. જેને લઈને તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. તો આ મામલે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે.
શંકરસિંહ વાઘેલાએ બાગેશ્વાર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીને ભાજપનું માર્કેટિંગ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ખોટા ચમત્કારના નાટક બંધ થવા જોઈએ. તેમણએ કહ્યું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ છે, તે ધર્મના નામે રાજકારણ કરી રહ્યા છે. ભાજપ ધર્મના નામે ધતિંગ કરાવી રહી છે. ધ કેરલા સ્ટોરી, બજરંગબલી બધુ ભાજપનું કોલાબ્રેશન છે.
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દરબારની વધી મુશ્કેલી, વકીલે કરી રાજ્ય પોલીસ વડાને અરજી
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના આયોજન પહેલા જ મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટના વકીલે દરબાર મામલે કેટલીક માંગણી સાથે રાજ્ય પોલીસ વડાને અરજી કરી છે.
અમદાવાદ, સુરત અને રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાયનાર છે. ત્યારે આયોજન પહેલા જ આ દરબારની મુશ્કેલીમાં વધારો થયો છે. હાઇકોર્ટના વકીલે રાજ્ય પોલીસ વડા, અમદાવાદ - રાજકોટ - સુરત પોલીસ કમિશનરને દરબાર મામલે અરજી કરી છે.
અરજીમાં રજૂઆત કરાઇ છે કે, જો આગામી સમયમાં દરબાર યોજાઇ તો રાજ્યમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવી સ્થિતિનું નિર્માણ થવાની ભીતિ સેવાઇ રહી છે. જેને કારણે કાર્યક્રમનાં આયોજકોને કાર્યક્રમ પહેલા કોઈ પણ પ્રકારની સ્થિતિ કથળે તેવા નિવેદન ન કરવા બાહેધરી લેવામાં આવે,. સંપૂર્ણ જવાબદારી આયોજકોની નક્કી કરવા માટે પણ અરજીમાં માંગણી કરાઇ છે. કાર્યક્રમ દરમિયાન કોઇપણ પ્રકારની હેટ સ્પીચ અથવા કોમી વૈમનસ્ય ફેલાય તેવા નિવેદનો ન થાય તેની જવાબદારી પણ નક્કી કરવા અરજીમાં રજૂઆત કરાઇ છે. જો આગામી સમયમાં કંઈ પણ ઘટના થાય તો સુઓમોટો હેઠળ કાર્યવાહી કરવા પણ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે, સુરતમાં 26 અને 27 મે તેમજ રાજકોટમાં 28-29 મે અને અમદાવાદમાં 6-7 જૂને દરબાર યોજનાર છે.