Morbi Bridge Collapse :  મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના માટે ઓરેવા ગ્રુપ જવાબદાર હોવાનો ખુલાસો થયો હતો. સીટના રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે જયસુખ પટેલ અને ઓરેવા કંપનીના મેનેજરો મોરબી પુલ દુર્ઘટના માટે જવાબદાર છે. મોરબી બ્રિજ દૂર્ઘટનાને લઈ SITની ટીમનો અંતિમ તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરાયો હતો. રિપોર્ટમાં ઓરેવા કંપનીના MD,મેનેજર સહિતના લોકો દુર્ઘટના પાછળ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.                 


મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસને લઈને SITની ટીમે પાંચ હજાર પેજનો તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. અગાઉ આંતરિક તપાસ રિપોર્ટમાં પણ મહત્વના ખુલાસાઓ થયા હતા. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના મામલાની તપાસ માટે રાજ્ય સરકારે સીટની રચના કરી હતી. SIT ની ટીમે 5000 પેજનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો.            


સીટ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો હતો કે દુર્ઘટના પાછળ MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના અન્ય લોકો જવાબદાર છે. બ્રિજ પર પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા નહોતી. બ્રિજ ઓપન કરતા પહેલા ફિટનેસ રિપોર્ટ તૈયાર કરાયો નહોતો. તે સિવાય ટિકિટના વેચાણ પર કોઈપણ પ્રતિબંધ મુકાયો નહોતો. બ્રિજ પર સુરક્ષાના સાધનોનો અભાવ હતો. ઓરેવા કંપનીએ બ્રિજ પર કેટલા લોકોને પ્રવેશ આપવો તેનું ધ્યાન રાખ્યું નહોતું.             


કૉંગ્રેસ નેતા લલિત કગથરાએ દાવો કર્યો હતો કે સરકાર અધિકારીઓને બચાવી રહી છે. નગરપાલિકાના અધિકારીઓને બચાવવાનો સરકાર પ્રયાસ કરી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી જબરદસ્તીથી બ્રિજ ચાલુ કરાવાયો હતો. જયસુખ પટેલ નિર્દોષ છે. આ પાછળ સરકારી પ્રશાસન જવાબદાર છે.                


નોંધનીય છે કે મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ ગયા વર્ષે 30 ઑક્ટોબરે રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં. સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ ઓરેવા ગ્રુપને સોંપવામાં આવ્યું હતું.