મોરબીઃ  મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા અત્યાર સુધીમાં 140થી વધુ લોકોના મોત થયાની આશંકા છે. 200થી વધુ જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા છે. મળતી માહિતી પ્રમાણે જ્યારે આ દૂર્ઘટના ઘટી ત્યારે 300 જેટલા લોકો આ પુલ પર સવાર હતા. બ્રીજ તૂટ્યા બાદ સેંકડો લોકો નદીમાં ખાબક્યા હતા.  






આ હોનારતમાં સઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોરબી બી ડિવિઝન પોલીસે ખોટા ઇરાદા સાથે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.  કલમ 304,308,114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઝૂલના પુલના મેનેજમેન્ટના મેનેજર, મેઇન્ટનેસ ટીમના મેનેજર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પુલનું યોગ્ય મેઇન્ટેનસ યોગ્ય રીતે કામગીરી ન કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.






આ મામલે તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના પણ ગુજરાત સરકાર દ્ધારા કરવામા આવી હતી. રેન્જ આઇજીની અધ્યક્ષતામાં ગુનાની તપાસ કરવામાં આવશે. દરરોજ સાંજે મુખ્યમંત્રીને તપાસનો અહેવાલ સોંપવામાં આવશે.  108 સેવાના પ્રોગ્રામ મેનેજર નિલેશ ભરપોડાએ જણાવ્યું કે, 130થી વધારે અસરગ્રસ્ત દર્દીઓને 108 સેવા દ્વારા ખસેડવામાં આવ્યા છે.






મોરબીની આ દૂર્ઘટના પર સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે, મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.