Gujarat Morbi Bridge Collapse: મોરબીમાં રવિવારે ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો, જેના કારણે પુલ પરના 400થી વધુ લોકો નદીમાં પડ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 77 લોકોના મોત થયા હોવાની પુષ્ટી થઈ ચુકી છે. આ સાથે જ આ દુર્ઘટનામાં જે લોકોને તરતાં આવડતું હતું તેવા લોકો નદીમાં તરીને બહાર આવ્યા હતા. આ લોકોએ તરીને પોતાનો જીવ તો બચાવ્યો સાથે-સાથે બીજા લોકો જેમને તરતાં નહોતું આવડતું તેમના જીવ પણ બચાવ્યા હતા. આ દુર્ઘટના બાદ લોકો નદીમાંથી તરીને બહાર આવતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


રવિવાર હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાઃ


ન્યૂઝ એજન્સી ANIએ તેના સોશિયલ મીડિયાના ટ્વિટર પ્લેટફોર્મ પરથી દુર્ઘટના બાદ આ વીડિયો જાહેર કર્યો છે. આ અકસ્માત રવિવારે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ થયો હતો. મચ્છુ નદી પર નવનિર્મિત કેબલ બ્રિજ ચારેક દિવસ પહેલાં બેસતા વર્ષના દિવસે ખુલ્લો મુકાયો હતો. રવિવાર હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો બ્રીજ પર ફરવા માટે ઉમટ્યા હતા. આ દરમિયાન પુલ પર અંદાજે 400થી વધુ લોકો એક સાથે પહોંચી ગયા હતા જેથી પુલ પર વજન પણ વધી ગયું હતું. 




બ્રીજને નગરપાલિકા તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું ન હતુંઃ


એનડીઆરએફના ડાયરેક્ટર અતુલ કરવલે એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અકસ્માત બાદ તરત જ એનડીઆરએફની ત્રણ ટીમો મોરબી પહોંચી ગઈ છે. દરમિયાન બીજી એક માહિતી એવી સામે આવી છે કે મોરબીના આ ઝૂલતા બ્રીજને નગરપાલિકા તરફથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યું ન હોવા છતાં બ્રિજ કાર્યરત કરાયો હતો. મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાએ દાવો કર્યો છે કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયા છે.