Morbi Jetpar farmer protest 2026: મોરબીના જેતપરમાં છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં એક મોટો અને સૂચક વળાંક આવ્યો છે. ખેડૂતોએ પોતાની જમીન અને અધિકારો માટે શરૂ કરેલી ભૂખ હડતાળ ભલે સમેટી લીધી હોય, પરંતુ સરકાર સામેની તેમની લડત હવે વધુ ઉગ્ર બનવા જઈ રહી છે. ખેડૂતોએ સરકાર દ્વારા આપવામાં આવેલા વળતરના પરિપત્રને સદંતર ફગાવી દીધો છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનને નવું સ્વરૂપ આપીને 'સત્યાગ્રહ' શરૂ કરવાની મોટી જાહેરાત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત મોડી રાત્રે ઉપવાસ પર બેઠેલા ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાની તબિયત અચાનક લથડી હતી. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આખરે આમરણાંત ઉપવાસ સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આંદોલનકારી નેહુલ અમૃતિયા સહિતના અન્ય ઉપવાસીઓએ ખેડૂત પરિવારની નાની દીકરીઓના હસ્તે જળ ગ્રહણ કરીને પારણાં કર્યા હતા. જોકે, ખેડૂત આગેવાન વૈભવભાઈ અમૃતિયાએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ઉપવાસ પૂર્ણ થયા છે, પરંતુ ખેડૂતોના હિતની આ લડાઈ યથાવત રહેશે અને જ્યાં સુધી તેમની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી કોઈ પીછેહઠ કરવામાં આવશે નહીં.
આ દરમિયાન ખેડૂત સમિતિએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા એક મોટો નિર્ણય લીધો છે. સરકારે જમીન સંપાદન કે નુકસાની પેટે બજાર કિંમત કરતા 2 ગણા વળતર આપવાનો પરિપત્ર જાહેર કર્યો હતો, પરંતુ ખેડૂતોએ તેનો સ્પષ્ટ અસ્વીકાર કર્યો છે. ખેડૂતોનો દાવો છે કે સરકારના આ નવા પરિપત્ર મુજબ પણ સરવાળે તો ખેડૂતોને મોટું નુકસાન જ વેઠવાનો વારો આવી રહ્યો છે, જેથી આ શરતો તેમને મંજૂર નથી.
આગામી રણનીતિની વાત કરીએ તો, મંગળવારથી આ આંદોલન વધુ વ્યાપક અને આક્રમક સ્વરૂપ ધારણ કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી જે સ્થળને ‘ઉપવાસ છાવણી’ તરીકે ઓળખવામાં આવતું હતું, તેને આવતીકાલથી ‘સત્યાગ્રહ છાવણી’માં ફેરવી દેવામાં આવશે. આ પારણાં કાર્યક્રમ સાથે જ આંદોલનના 'પાર્ટ-3' ની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ 'પાર્ટ-3' અંતર્ગત આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને એકઠા કરીને સરકાર સામે નવી અને મજબૂત વ્યૂહરચના ઘડવામાં આવશે. ખેડૂતોના આ બદલાયેલા વલણ અને નવી જાહેરાતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર પણ હવે દોડતું થઈ ગયું છે.
આ પણ વાંચોઃ મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
