Morbi news : વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન કરવામાં આવ્યું છે અને આ સાથે તમામ પદાધિકારીઓને ઘરભેગા કરાયા છે.
રાજ્ય સરકારે ગુજરાત નગરપાલિકા અધિનિયમથી નગરપાલિકાઓ માટે નિહિત્ત ફરજો બજાવવામાં નિષ્ફળ અને અસમર્થ રહેલી વાંકાનેર નગરપાલિકાનું તાત્કાલિક અસરથી વિસર્જન કર્યું છે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે આ નગરપાલિકાની કામગીરી સુચારુ રૂપે ચાલુ રહે તે હેતુસર નગરપાલિકાના વહિવટદાર તરીકે મામલતદાર વાંકાનેરની નિમણૂંક કરી છે.
રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગે મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવી છે. પધધિકારીઓની ચેમ્બરને સીલ મારી દેવાયા છે અને પાલિકાના રેકોર્ડ અને ઠરાવ સહિતના સાહિત્ય હસ્તગત કરવામાં આવ્યાં છે.
અગાઉ બોટાદ નગરપાલિકા થઇ સુપરસીટ થઇ હતી
આ પહેલા આ વર્ષે જ ગત જૂન મહિનામાં 44 સભ્યોવળી બોટાદ નગરપાલિકાના સભ્યો વચ્ચે ચાલી રહેલા આંતરિક વિખવાદ બાદ પ્રાંત અધિકારીએ બોટાદ નગરપાલિકાને સુપરસીટ કરી તમામ 44 સભ્યોને ઘરભેગા કરી દીધા હતા અને પ્રાંત અધિકારીએ પોતે નગરપાલિકાનો ચાર્જ સંભાળી લીધો હતો.
બોટાદ નગરપાલિકામાં કુલ 44 સભ્યોમાંથી 40 સભ્યો ભાજપના હતા અને 4 સભ્યો કોંગ્રેસના હતા. ભાજપના સભ્યોના આંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે નગરપાલિકાના વોર્ડ નંબર 10ના સભ્યને શિસ્તભંગ બદલ ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.
ત્યાર બાદ નગરપાલિકાના તે સમયના પ્રમુખ રાજેશ્રી વોરા સહિત તમામ સમિતિના ચેરમેનોના પણ રાજીનામાં પક્ષની સૂચના મુજબ લઈ લેવામાં આવ્યાં હતા અને નવા પ્રમુખ અને નવી બોડી કામ કરશે તેવી ભાજપને આશા હતી. પણ પ્રમુખ પસંદગી સમયે મેન્ડેડ સામે ભાજપના જ સભ્ય અલ્પાબેન સાબવા દ્રારા ઉમેદવારી કરી બહુમતી હાંસલ કરી જીત મેળવી બોટાદ નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા.
અલ્પાબેન સાબવાની તરફેણ કરનાર ભાજપના 17 અને પ્રમુખ મળી 18 સભ્યોને ભાજપ દ્વારા બળવાખોર જાહેર કરી ભાજપમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા અને ભાજપની સાખ દાવ પર લાગી હોય તેમ ગુજરાત રાજ્ય શહેરી વિકાસ વિભાગ દ્વારા અલગ અલગ કારણોથી વિકાસના કામો, વેરાની ઉઘરાણી તેમજ ગ્રાન્ટ પરત જતી હોય તેવા કારણો સાથે નવનિયુક્ત પ્રમુખને સુપરસીટ માટે નોટિસ પાઠવવામાં આવી હતી અને તેનો જવાબ રજૂ કરવા જણાવામાં આવ્યું હતું.