સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. ત્યારે લોકડાઉનમાં છૂટ મળતાં લોકો વતન પરત ફરતાં ગ્રામ્ય વિસ્તારો તેમજ અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ છ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.


સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી, ધ્રાંગધ્રા અને ચુડા તાલુકાના ગામોમાં ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ધ્રાંગધ્રા તાલુકાના ઈસદ્રા, કોંઢ અને જેગડવામાં એક-એક કેસ મળી ત્રણ કેસ નોંધાયા છે. ચુડા તાલુકાના બલાળામા બે અને પાટડી તાલુકાના અખિયાણામાં એક મળી ફૂલ ૬ કેસ કોરોના પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

હાલ, તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. પ્રાથમિક તપાસમાં તમામની ટ્રાવેલ હિસ્ટ્રી બહારગામની હોવાનું બહાર આવ્યું છે. જિલ્લાનો કોરોના પોઝિટિવ આંક ૩0 એ પહોંચ્યો છે.