ગાંધીનગર: રાજ્યમાં વર્ષ 2023ની સ્થિતિએ 39 હજાર 888 લોકો પાસે દારૂની પરમિટ હોવાની વિગતો સામે આવી છે.  કૉંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરના પ્રશ્નમાં  વિધાનસભામાં આ વિગતો સામે આવી છે.  છેલ્લા 3 વર્ષમાં 14 હજાર 696 દારૂની પરમિટ માટે નવી અરજીઓ મળી છે.  જ્યારે 30 હજાર 112 લોકોની દારૂની પરમિટ રીન્યુ કરવામાં આવી છે. 


સરકારને દારૂના પરવાનાથી કરોડો રુપિયાની આવક થઈ છે.  3 વર્ષમાં દારૂના નવા પરવાના હેઠળ 8 કરોડ 75 લાખ 87 હજાર 300 રૂપિયાની આવક થઈ છે.  3 વર્ષમાં દારૂના રીન્યુ પરવાના હેઠળ 29 કરોડ 80 લાખ 33 હજાર 300 રૂપિયાની આવક રાજ્ય સરકારને થઈ છે.  છેલ્લા 3 વર્ષમાં સરકારને દારૂના પરવાના હેઠળ 38 કરોડ 56 લાખ 20 હજાર 600 રૂપિયાની આવક થઈ છે.  વિધાનસભામાં પ્રશ્નોતરીમાં સરકારે જવાબ આપ્યો હતો. 


વિદેશી દારૂ પીવાની પરમિટ


ગુજરાતનાં દારૂબંધીના નિયમમાં કેટલીક છુટછાટ આપી  રાજ્યના લોકોને પોતાનું આરોગ્ય જાળવવા માટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના ઘરમાં રાખવા અને સેવન કરવા માટે સ્વાસ્થ્ય પરમિટ મળી શકે છે. આ પરમિટ મેળવવા માટે વ્યકિતની ઉંમર ઓછામા ઓછી 40 વર્ષ હોવી જોઈએ અને તેમની માસિક આવક 25,000 રૂપિયાથી વધારે હોવી જોઈએ. આ પરમિટ માટે 2000 રૂપિયા પ્રોસેસિંગ ફી પેટે અને 2000 રૂપિયા આરોગ્ય તપાસણી ફી અરજદારે જમા કરવાના રહેશે. આ પરમિટની વાર્ષિક ફી 2000 રૂપિયા છે.


ત્યારબાદ, અરજદારે પોતાના કૌટુંબિક તબીબનું પ્રમાણપત્ર, પોતાની ઉંમર, રહેઠાણ અને આવકનો પુરાવો રજૂ કરવાનો હોય છે. સ્વાસ્થ્ય પરમિટ હેઠળ 40થી વધુ અને 50 વર્ષ સુધીની વ્યક્તિને માસિક ત્રણ યુનિટ, 50થી 65 વર્ષની વ્યક્તિને ચાર યુનિટ અને 65 વર્ષથી વધુ વર્ષની વ્યક્તિને પાંચ યુનિટની પરવાનગી મળે છે.


આ ઉપરાંત જો કોઈ વ્યક્તિએ દારૂનો વપરાશ કરવા ઉપર પ્રતિબંધ ન હોય એવા ભારતના કોઈ રાજ્યમાં સતત દસ વર્ષ કરતાં વધારે, અથવા ભારત બહારના કોઈ દેશમાં પાંચ વર્ષથી વધુ વસવાટ કર્યો હોય અને તે વ્યક્તિએ એ સમયગાળામાં દારૂનું સેવન કર્યું હોય તેવી વ્યક્તિને પોતાનું આરોગ્ય જાળવવા માટે સ્વાસ્થ્ય પરમિટની જોગવાઈ છે.


અરજદારે આ પરમિટ માટે 2000 રૂપિયા પ્રોસેસ ફી પેટે ભરવાના રહેશે. આ ઉપરાંત અરજદારે ગુજરાતમાં વસવાટ કરવાના 24 મહિનાની અંદર અરજી કરવાની હોય છે.


સશસ્ત્ર દળોમાંથી સેવા નિવૃત થઈને ગુજરાતમાં રહેતા સભ્યોને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે દારૂનો કબજો અને ઉપભોગ કરવા માટે સ્વાસ્થ્ય પરમિટ મળે છે.  આ પરમિટ મેળવવા માટે અરજદારે ઍકસ-સર્વિસમૅનનુ ઓળખપત્ર અને રહેઠાણના પુરાવા રજૂ કરવાના રહેશે. આ પરમિટ ત્રણ વર્ષ માટે માન્ય હોય છે અને તેની વાર્ષિક ફી 500 રૂપિયા છે.