અરવલ્લી : હવામાન વિભાગ દ્વારા આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી વચ્ચે આજે અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધનસુરામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ધનસુરા શહેરના જવાહર બજારમાં ગોઠણસમા પાણી ભરાયા હતા.  

મોડાસા-નડિયાદ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા

શહેરના  માલપુર ચોકડી વિસ્તારના કાચા મકાનોમાં પાણી ઘૂસ્યા હતા.  ભારે વરસાદથી પશુઓને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  મોડાસા-નડિયાદ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે.  પરબરી ચોક વિસ્તારમાં નદી જેમ પાણી વહી રહ્યા છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  

ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  ધનસુરાના મુખ્ય ગેટ આગળ પાણી ભરાયા છે.  જનતા નગર વિસ્તારમાં  પાણી ભરાયા છે. ધનસુરામાં આવેલું મોટું તળાવ ઓવરફલો થયું છે.

મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ

ભારે વરસાદની આગાહી વચ્ચે આજે મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને બફારા બાદ લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. લુણાવાડા શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો છે.

મેઈન બજારોમાં ફરી વળ્યા પાણી

ભારે વરસાદને લઈને લુણાવાડા શહેરમાં રસ્તોઓ પર  પાણી ફરી વળ્યા છે. લુણાવાડા શહેરના માંડવી બજાર, હાટડીયા બજાર, હુસેની ચોક, વરધરી રોડ સહિતના માર્ગો પાણી-પાણી થયા છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે.

ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ

મહીસાગર જિલ્લામાં બે કલાકની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે. કડાણા તાલુકામાં બે કલાકમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.  લુણાવાડા તાલુકામાં બે કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે.  સંતરામપુર તાલુકામાં પણ અડધા ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લામાં બે કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો 

રાજ્યમાં સિઝનનો સરેરાશ 90.81 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31 ટકા, દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, પૂર્વ મધ્યમાં 90.58 ટકા, કચ્છમાં 85.14 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ વરસ્યો છે. 

રાજ્યમાં 108 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 80 ડેમ 100 ટકા ભરાયેલા છે. આ સિવાય 30 ડેમ એલર્ટ અને 9 ડેમ વોર્નિંગ પર છે. જ્યારે 67 ડેમ 70 થી 100 ટકા, 25 ડેમ 50 થી 70 ટકા અને 18 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે.