અમરેલીઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર અને વડોદરામાં કેસો વધી રહ્યા હતા. પરંતુ હવે અન્ય જિલ્લાઓમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ સામે આવ્યા છે. સુરતના વરાછામાંથી આવેલ યુવતીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ વર્ષ પહેલા પોસ્કો તળે ગુન્હો નોંધાયેલા ભોગ બનનાર યુવતીને સુરત પોલીસે અમરેલી પોલીસને સોંપી હતી.


કોર્ટમાં રજૂ કરવા દરમ્યાન તાવ, શરદી, ઉધરસ જણાતા યુવતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જાફરાબાદના ટીબી ગામના હોમિયોપેથીક ડોક્ટરને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્રણ દિવસથી તાવ, શરદી જણાતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.આમ, અમરેલી જિલ્લામાં કોરોના પોઝીટિવની સંખ્યા 6 છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાનો સૌથી વધુ કહેર ભાવનગર અને રાજકોટમાં છે. ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં ભાવનગરમાં કોરોનાના 115 કેસ છે, જ્યારે રાજકોટમાં 92 કેસ છે. આ સિવાય બોટાદમાં 56, ગીર સોમનાથમાં 44, જામનગરમાં 47, જૂનાગઢમાં 26 અને સુરેન્દ્રનગરમાં 23 કેસો છે. આ સિવાય અમરેલીમાં 4, પોરબંદરમાં 6, દ્વારકામાં 12, મોરબીમાં 3 કેસો છે.