પંચમહાલઃ મોરવાહડફ પેટાચૂંટણીમાં 21માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથારને 59862 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સુરેશભાઈ કટારાને 20453 મત મળ્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ હાર સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું હતું કે, સત્તા ભાજપની હોઈ મસલ પાવર વાપરી જીત થઈ તેમજ કોરોનાના ડરથી મતદારો મતદાન કરવા બહાર ના નીકળ્યા છતાં જીત જીત છે. bjp ઉમેદવાર નિમિષાબેનને અભિનંદન.
કોવિડની તમામ ગાઇડલાઇન મુજબ મતગણતરી યોજાઈ રહી છે. ભાજપના નિમિષા સુથાર અને કોંગ્રેસના સુરેશ કટારાના ભાવિનો આજે ફેંસલો થશે. મોરવા હડફ ખાતે અપક્ષ તરીકે ચૂંટાયેલા ભુપેન્દ્ર ખાંટના અવસાન બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.
મોરવા હડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમા 48,411 પુરુષો અને 38,407 મહિલાઓ સહિત કુલ 86,818 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા ૩૯.૬૦ ટકા મતદાન નોંધાયું હતું. કોવિડ 19ની મહામારીને જોતા કોરોના ગાઈડલાઈનનું ફરજિયાતપણે પાલન કરવામાં આવનાર છે. મતગણતરી સ્થળે મીડિયા કર્મીઓ સહિત ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓ, ઉમેદવારો અને એજન્ટો માટે કોવિડ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. મત ગણતરી સેન્ટરમાં પ્રવેશ માટે કોવિડ ટેસ્ટ અથવા વેક્સીનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ પણ ફરજિયાત બનાવાયું છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ પેટા ચૂંટણીની મતગણતરી સરકારી વિનિયન કૉલેજ ખાતે શરૂ થઈ ગઈ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. હાલ બેલેટ પેપર પરના મતોની ગણતરી ત્યારબાદ EVMની મત ગણતરી કરવામાં આવશે. આ મતગણતરી સેન્ટરમાં દરેક વ્યક્તિને કોરોના નેગેટિવ હોવાનો રિપોર્ટ સાથે રાખવાનો રહેશે.