અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના ખુલાસા બાદ ભારતીય ઈમિગ્રેશન વિભાગ અને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી હતી. દુબઇથી રોમાનિયાની ફ્લાઇટમાં ગયેલા તમામ પેસેન્જરોની યાદી મંગાવાઇ હતી. રોમાનિયાની લિજેન્ડ એરલાઇનના વિમાનમાં અગાઉ પણ દુબઇથી પાંચ વાર ભારતીયોનો લઇને ફ્લાઇટ વેટ્રી એરપોર્ટ પર ફ્લુઅલિંગ માટે આવી હતી. જે માહિતીને આધારે ભારતીય એમ્બેસીએ એરલાઇન કંપની પાસે ફ્લાઇટમાં અગાઉ ગયેલા તમામ ભારતીય મુસાફરોની યાદી મંગાવી છે. સાથે વિવિધ રાજ્યોની સ્થાનિક પોલીસને આ સમગ્ર મામલે તપાસ માટે તૈયાર રહેવા માટે તાકીદ કરી છે.


આ સમગ્ર કેસ બહાર આવતા મહેસાણાના કિરણ પટેલ સાથે સંકળાયેલા અનેક એજન્ટો રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની પણ માહિતી મળી રહી છે. ફ્રાન્સના પેરિસથી નજીક વેટ્રી એરપોર્ટ પર શુક્રવારે 300થી વધુ ભારતીયોને લઇને જઇ રહેલું રોમાનિયાનું લિજેન્ડ એરલાઇનનું વિમાન ફ્યુઅલિંગ માટે લેન્ડ થયું હતું. જે દુબઇથી સેન્ટ્લ અમેરિકા પાસે આવેલા નિકારાગુઆ દેશના એરપોર્ટ પર જઇ રહ્યું હતું. આ રૂટ ગેરકાયદેસર ઘૂષણખોરી માટે જાણીતો હોવાથી ફ્રાન્સના ઇમિગ્રેશન વિભાગે તાત્કાલિક વિમાનને કબ્જે કરીને ૩૦૦ ભારતીય મુસાફરોની એરપોર્ટ પર ગ્રાઉન્ડ કર્યા હતા.જેમા બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં હતા જેમાં 96 જેટલા ગુજરાતીઓ હતા.                                                              


આ ગુજરાતીઓમાં મોટાભાગના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગરના કલોલના રહેવાસી હોવાનું ખુલ્યું હતું. એટલું જ નહી તપાસ કરતા એવો પણ ખુલાસો થયો હતો કે અગાઉ પાંચ વાર આ રૂટથી ભારતીય પેસેન્જરો નિકારાગુઆ ગયા હતા. આમ, ૧૨૦૦થી વધુ ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકા ગયાની હોવાની શક્યતાને પગલે અત્યાર સુધીનું સૌથી મોટુ કબૂતરબાજીનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. ફ્રાન્સમાં વિમાનને રોકી રખાતા મહેસાણાના કિરણ પટેલ સાથે સંકળાયેલા એજન્ટો ભૂર્ગભમાં ઉતરી ગયા છે. લોકોને ગેરકાયદે અમેરિકા મોકલવામાં ઉત્તર ગુજરાતના રાજુ સરપંચ અને કિરણ પટેલ વચેટિયા તરીકે ભૂમિકા ભજવતા હોવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે.