અમરેલી જિલ્લામાં ડબલ મર્ડરના કારણે ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, અમરેલી જિલ્લામાં ખાંભાના રાયડી પાટી ગામની સીમમાં ખેતી કામ કરી ગુજરાન ચલાવનાર માતા અને પુત્રની હત્યા કરાયેલી લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં અમરેલી પોલીસ વડા સહિતની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.




અમરેલી જિલ્લાના ખાંભાના રાયડી ગામમાં માતા દૂધીબેન જીવરાજભાઈ સુહાગીયા,પુત્ર સુરેશભાઈ જીવરાજભાઇની તીક્ષ્ણ હથિયાર વડે રાત્રીના સમયે હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની ગંભીરતાને લઈ અમરેલી એસપી હિમકર સિંહ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે માતા અને દીકરાની હત્યા કેમ કરવામાં આવી આ પાછળનું કારણ અકબંધ છે. પોલીસે કુલ 11 જેટલી ટીમો બનાવી ખાંભા, રાજુલા, ચલાલા, ધારી, એલસીબી,એસઓજી સહિત બ્રાન્ચની ટીમો પણ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી.


માતા પુત્રની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. મૃતક દુધીબેનને સંતાનમાં ચાર પુત્ર હતા એક પુત્રનું 2021 માં આ જ સ્થળ ઉપર હત્યા કરવામાં આવી હતી. અન્ય એક પુત્રનું કુદરતી મૃત્યુ થયું હતું જ્યારે અન્ય એક પુત્ર દિવ્યાંગ હોવાનું પોલીસને માહિતી મળી છે. માતા અને દીકરો 50 વીઘા જમીન ધરાવતા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પીએમ માટે ખાંભા હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.


પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો લેવાયો ભોગ


નવસારીના ખેરગામમાં પતિ પત્નીના ઝઘડામાં પુત્રનો ભોગ લેવાયો છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર ખેરગામના જગદીશ પટેલ અને તેની પત્ની પીનલ વચ્ચે કોઈ વાતે વિવાદ ચાલતો હતો. વિવાદને કારણે પીનલ પુત્રી સાથે તેના પિયર ભેરવી રહેતી હતી, જ્યારે જગદીશ દીકરા જય સાથે રહેતો હતો.જયે માતાને ફોન કરી ખેરગામ બોલાવતા પીનલ તેને લેવા નિકળી હતી. રસ્તામાં ગુનાહિત માનસિકતા ધરાવતા પતિ જગદીશે પુત્રને લેવા જતી પત્ની પીનલ ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. બાદમાં ત્યાંથી ભાગીને પુત્રને ઘરના પાછળ આવેલ વાડીના કૂવા ફેંકી પોતે પણ કૂવામાં કુદી પડ્યો હતો. દીકરાની કરતૂત જોઈ જતા જગદીશની માતા પણ પાછળ દોડી અને પૌત્રને બચાવવા કૂવામાં કૂદી પડી હતી.