મુંબઈની સુપર મોડેલ એશ્રા પટેલે સંખેડા તાલુકાના કાવીઠા ગામનાં સરપંચ બનવા ઉમેદવારી નોંધાવી છે. પોતાના ગામના વિકાસ માટે એશ્રા સરપંચ બનવા માંગે છે. એશ્રાએ અનેક મોટી મોટી બ્રાન્ડસ માટે જાહેરખબરમાં કામ કર્યું છે. શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન સાથે પણ કામ કર્યું છે.
એશ્રા ગામની સ્થિતીથી દુઃખી છે. એશ્રા કહે છે કે, એક માણસ દોઢસો રૂપિયા કમાઇને ઘરનું પૂરું કેવી રીતે કરી શકે. એક કમાવા પાછળ છ-છ લોકો ખાવાવાળા. આપણે વિચારી પણ ન શકીએ એવી હાલતમાં તે લોકો જીવી રહ્યા છે. એમને પાક્કા ઘર મળવા જોઇએ. વરસાદ પડે ત્યારે બીચારાના ઘરમાં પાણી ભરાઈ જાય છે. કોઈ જોવા પણ નથી આવતું. બની બેઠેલા સરપંચો છે, તે પોતાના ખીસ્સા ગરમ કરે છે. કોઈ પણ પાર્ટીમાં સમાવિષ્ટ થવા નથી માંગતી. મારે ખાલી મારા ગામનો વિકાસ કરવો છે. એટલા માટે અહીં હું ઉભી રહી છું.
હું અહીં જ જન્મી છું અને અહીં જ મોટી થઈ. ઘણાં બધાં લોકો મારી સાથે સ્કૂલમાં હતા. આ બધા લોકો અત્યારે ખેતીકામ કરી રહ્યા છે. માંડ માંડ એમનું ભરણપોષણ થઈ રહ્યું છે. હું જે લોકોને ઓળખું છું, તેમની મદદથી અને મારી પાસે છે, તેમાંથી હું આ લોકોનો વિકાસ કરીશ. મેં મોડલની દુનિયાને અલવિદા કરી દીધી છે. અમુક કામ બાકી છે, તે પૂરા કરવાના છે. હવે મોડેલિંગની દુનિયામાં આગળ વધવાની ઇચ્છા નથી.
છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં પ્રથમ વખત સરપંચપદ માટે સામાન્ય મહિલાની બેઠક આવી છે. આ બેઠક માટે 4-4 મહિલાએ ઉમેદવારી નોંધાવી છે. જેમાં કાવીઠા ગામની અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા (નિપા) પટેલનો પણ સમાવેશ છે.
એશ્રાએ કેન્સર અવરેનસ માટે અમિતાભ બચ્ચન સાથે કામ કર્યું હતું. એશ્રા 100થી વધુ બ્રાન્ડને પ્રમોટ કરીચૂકી છે, પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ જેવી અનેક એડ ફિલ્મમાં કામ કર્યું છે.
ઉલ્લેખનિય છે કે, એશ્રાના પિતા નરહરિ પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યાં છે. એશ્રાએ સરપંચની ચૂંટણી મુદ્દે વાત કરતા જણાવ્યું કે, સમગ્ર દુનિયા વિકાસના પંથે છે. દરેક દેશ વિકાસ કરી રહ્યો છે તો મારા દેશનું આ ગામ કેમ તેનાથી વંચિત રહે? મારા ગામ માટે કંઇક કરવાની ઇચ્છાએ મને ચૂંટણી લડવા પ્રેરી છે.