કોડીનારઃ ગુજરાતના કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ 5માં સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં કોબ્રા કમાન્ડો અજિતસિંહ પરમારનું રહસ્યમય સંજોગોમાં મોત થયું એ મુદ્દે વિવાદ ઉભો થયો છે. પરમારનો મૃતદેહ રવિવારે મધ્યપ્રદેશના રતલામ નજીક રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યાના 10 કલાકમાં જ મધ્યપ્રદેશની પોલીસે તેમના મૃતદેહને પરિવારની મંજૂરી વગર દફનાવી નાંખ્યો હોવાનો આક્ષેપ કરીને પરિવારજનોએ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે.


અજિતસિંહ દિવાળીની રજા માણવા માટે દિલ્હી-વડોદરા રાજધાની ટ્રેનમાં પોતાના વતન કોડીનાર આવી રહ્યા હતા. 13 નવેમ્બરે અજિતસિંહ ટ્રેનમાં બેઠા પછી ટ્રેનમાં ગુમ થયા હતા. તેમનો સામાન વડોદરાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવતાં 14 નવેમ્બરના રોજ પરિવારજનોએ તેમના ગુમ થયાની જાણ રેલવેમંત્રી પીયૂષ ગોયલને ટ્વીટ દ્વારા કરી હતી. મૃતદેહ મળ્યાના 10 કલાકમાં જ મધ્યપ્રદેશની પોલીસે તેમના મૃતદેહને પરિવારની મંજૂરી વગર દફનાવી નાખ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનો હવે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

અજિતસિંહ દિલ્હી-વડોદરા ટ્રેન નં.02952ના કોચ નં. 5માં 50 નંબરની સીટમાં બેસી પોતાના વતન આવી રહ્યા હતા. પરિવારજનોએ 14 નવેમ્બરના રોજ ફરિયાદ કર્યા પછી 15 નવેમ્બરના રોજ સવારે રતલામ ડિવિઝન નજીક રેલવે-ટ્રેક પરથી તેંનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે RPF દ્વારા પરિવારને માહિતી આપવામાં આવી હતી. મૃતદેહનો ફોટોગ્રાફ્સ વ્હોટ્સએપથી પરિવારને મોકલાયો પછી પરિવારે તેમને ઓળખી બતાવ્યો હતો. જો કે સ્થાનિક પોલીસે અજિતસિંહના પરિવારને જાણ કર્યા વગર જ મૃતદેહને દફનાવી દેતાં અજિતસિંહના મૃત્યુને લઈને અનેક પ્રકારની શંકા ઊભી થઈ છે. આ અંગે પરિવારજનોએ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા અને ન્યાય આપવા માગ કરી છે.