ઉનાઃ કોડીનાર શહેરના રહેવાસી અને ખેડૂત પુત્ર અજીતસિંહ 2017 સીઆરપીએફમાં કોબ્રા કમાન્ડો તરીકે સામેલ થયા હતા, જેમના 2 મહિના પછી લગ્ન હતા, જેથી સેનામાંથી રજા લઇ ઘરે પરત ફરતી વેળાએ તેમનો સામાન મુંબઈ રેલવે પોલીસને મળી આવ્યો અને તે ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. આખરે એમપીના રતલામ જિલ્લાના રતાલ ગામ નજીક રેલવે ટ્રેક પરથી શંકાસ્પદ હાલતમાં તેમની લાશ મળી આવી આવી હતી. જો કે રેલવે પોલીસ અને રતાલ પોલીસે તેમની લાશ બિનવારસી સમજી પરિવારની શોધખોળ કર્યા વિના તેમજ 24 કલાક રાહ જોયા વિના જ દફન કરી દીધી હતી.


આખરે પરિવારને જાણ થતા પરિવાર રતાલ પહોંચ્યો હતો અને લાશને એસડીએમની હાજરીમાં જમીનમાં ખોદકામ કરી ફરી બહાર કાઢી હતી. રતાલ પોલીસ પરિવારને પીએમ રિપોર્ટ આવે આવે તેવા બહાના કરી એક દિવસ સુધી રાહ જોવડાવ્યા બાદ જ્યારે લાશ જમીનમાંથી બહાર કઢાય તે સમયે જાણવા મળ્યુ કે કમાન્ડોનું પીએમ જ નથી થયું. કારણ કે ડેથ બોડીને કોઈ પણ જગ્યા પર ચીરફાડ થઈ ન હતી.

આખરે એસડીએમના કહેવાથી ને પરિવાર તેમજ કર્ણી સેનાએ હંગામો મચાવ્યા બાદ રતલામ હોસ્પિટલમાં લાશને જમીનની બહાર કાઢી પેનલ પીએમ કરાયું હતું. કમાન્ડોના પાર્થિવ દેહને કર્ણી સેનાએ રતલામમા સન્માન કરી શ્રદ્ધાંજલિ આપી ત્યાર બાદ ગુજરાતના અમદાવાદ અને રાજકોટમાં પણ કર્ણી સેના દ્વારા કમાન્ડોના મૃતદેહનું સન્માન કરાયું અને શ્રદ્ધાંજલિ આપી. હાલ, કમાન્ડરનો પાર્થિવ દેહ કોડીનાર પહોંચ્યો છે. 10 કિમિ દૂર પેઢવાડા ગામેથી વિશાળ રેલી યોજી ફોજીને સન્માન અપાયું હતું. ભારત માતાની જયના નારા સાથે કમાન્ડોના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવાયો હતો.

સવારે કોડીનાર ખાતેથી વિશાળ સ્મશાન યાત્રા યોજાશે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના પૂર્વ આર્મીમેનો પણ મોટી સંખ્યામાં જોડાશે. કોડીનાર માં સ્મશાન યાત્રા સમયે તમામ વેપારીઓ બંધ પાળી કમાન્ડોને શ્રદ્ધાંજલિ આપશે. કમાન્ડોના પરિવારજનોએ માંગ કરી છે કે કમાંડોના મોતનું રહસ્ય બહાર આવે તેમજ એમપી પોલીસ સામે પણ કાર્યવાહી થાય કે શું કારણે કમાન્ડોને તત્કાલ દફન કરાયા અને શું કારણે તેનું પીએમ ન કરાયું.