નવસારી: ચિખલી તાલુકાના ચિતાલી ગામે આવેલ ધના-રૂપા થાનકે ખોદકામ હાથ ધરાતાં પૌરાણિક ખતરાં તેમજ ચલણી સિક્કાઓ મળી આવ્યા છે. નવસારી જિલ્લામાં આવેલ આ થાનક એટલે ધોડીયા આદિવાસીઓના પૂર્વજો મનાતા 'ધના' અને 'રૂપા' નું મુખ્ય સ્થાન. અહીંથી 1891, 1885, 1901, 1905 1920, 1980ના વર્ષના ચલણી સિક્કાઓ મળી આવ્યા છે.


ધોડીયા આદિવાસીઓ મોટે ભાગે ગુજરાત રાજ્યના દક્ષિણ વિસ્તારમાં રહે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યના થાણે જિલ્લામાં પણ આ સમુદાયના લોકો વસવાટ કરતા આવ્યા છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરીમાં માત્ર ગુજરાત રાજ્યમાં તેમની વસ્તી ૬,૩૫,૬૯૫ જેટલી દર્શાવવામાં આવી છે, જેમાંથી ૩,૧૮,૦૮૭ પુરૂષો અને ૩,૧૭,૬૦૮ સ્ત્રીઓ નોંધાયેલ છે. જોકે આજે દસ વર્ષ બાદ આ આંકડો આઠ લાખ જેટલો હોવાનું જાણકારો કહે છે. ધોડીયા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જોકે ગાંધીયુગ અને વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ દરમિયાન આ સમુદાયમાં શિક્ષણની શરૂઆત થયા બાદ આ સમુદાયના કેટલાક લોકો આજે પણ નોકરીના કારણે મોટા શહેરોમાં વસવાટ કરી રહ્યા છે. 


આ સમુદાયે સ્વતંત્રતા સંગ્રામમાં પણ સક્રિય ભાગ લીધો હતો., અને આ દરમિયાન અનેક ધોડીયા સ્વાતંત્ર્ય સેનાનીઓ જેલમાં પણ ગયા હતા. એકંદરે આ ધોડીયા આદિવાસી સમાજના લોકોએ શિક્ષણ મેળવીને આંશિક વિકાસ સાધ્યો છે. નોકરી-ધંધાના કારણે શહેરો તરફ સ્થળાંતર કરવું પડતું હોવા છતાં તહેવારો અને લગ્ન જેવા પ્રસંગોએ ધોડીયા લોકો વતનના ગામ જાય છે. આ કારણથી આજે પણ તેઓ પોતાની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. ધોડીયા સમુદાયના લોકો 'ધના' અને 'રૂપા' નામના વ્યક્તિઓને પોતાના પૂર્વજ માને છે. મૃતકની અંતિમ વિધિ વખતે ધનાખત્રી અને રૂપાખત્રીના નામની છાક પાડવામાં આવ્યા બાદ જ અન્ય અવસાન પામેલા સ્વજનોની છાક પડાય છે. આ પૂર્વજોનું મુખ્ય થાનક નવસારી જિલ્લામાં ચિતાલી ગામે આવેલ છે.


સદર ધના-રૂપા થાનકે પેઢીઓથી ધોડીયા પરિવારો દ્વારા મૃતક સ્વજનોનાં ખતરાં બેસાડવાની પરંપરા હતી. મહા મહિનો એટલે ધોડીયાઓ માટે 'ઉજવણાં' એટલે કે 'પરજણ' નો મહિનો, એ દરમિયાન ચિતાલી ખાતેના આ ધના-રૂપા થાકને મોટી સંખ્યામાં લોકો આવતા અને પોતાના મૃત સ્વજનનું ખતરું સ્થાપિત કરતા હતા. સમયાંતરે પરંપરામાં થોડી ઓટ આવી અને ધના-રૂપા થાનક થોડું અવાવરું થતાં લોકોની અવરજવર પણ ઓછી થવા પામી હતી. ધોડીયા સમુદાયના આગેવાનો અને ચિતાલી ગામના વડીલો તેમજ યુવાઓએ પોતાના વડવાઓ દ્વારા સ્થાપિત આ ઐતિહાસિક ધરોહરના જતન સંવર્ધન માટે ધના-રૂપા થાનક ડેવલપમેન્ટ કમિટીનું ગઠન કરી પ્રયાસ હાથ ધરવામાં આવતાં છેલ્લા કેટલાક વર્ષોથી અહીં દર વર્ષે મોટો ઉત્સવ યોજવામાં આવે છે. 


આ થાનકના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી અનુદાન પ્રાપ્ત થયેલ જેમાંથી કમ્પાઉન્ડ વોલનું નિર્માણ કરવામાં આવેલ છે. હાલના સમયે ધના-રૂપા ડેવલપમેન્ટ કમિટી દ્વારા થાનકનો સુવ્યવસ્થિત વિકાસ કરવા માટે વર્ષો જુના પીપળાના વૃક્ષ તળે ખોદકામ કરવામાં આવતાં સેંકડોની સંખ્યામાં કાળક્રમે દટાયેલાં પથ્થરના ખતરાં મળી આવતાં સૌ અચંબિત થયા હતા. ખોદકામ વધુને વધુ આગળ વધતાં વર્ષો અગાઉના ખતરાં સાથોસાથ અહીં ચઢાવાયેલ જુના ચલણી સિક્કાઓ પણ મળી આવ્યા હતા. સમગ્ર સ્થળનો અભ્યાસ કરતાં ગામના વડીલો એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે આ ધના-રૂપા થાનક પંદરમી સદી કરતાં પણ વધુ પૌરાણિક હોઈ શકે છે. ત્યારે પુરાતત્વીય મહત્વ ધરાવતા આ સ્થળે સરકારી રાહે વધુ સંશોધનો થાય એ પણ આવશ્યક છે. જેમ યહુદીઓ માટેનું જેરુસલેમ તેમ ધોડીયા આદિવાસીઓ માટેનું મુખ્ય થાનક એટલે ચિતાલીનું ધના-રૂપા થાનક એમ વડીલો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.


ધના-રૂપા થાનકના વિકાસ અર્થે ધોડીયા સમુદાયના આગેવાનો ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા, ધનસુખભાઈ ઝેડ. પટેલ સહિત ગામના માજી સરપંચ જગદીશ પટેલ, માજી સરપંચ ઝવેરભાઈ પટેલ, ધના-રૂપા થાનક ડેવલપમેન્ટ કમિટીના પ્રમુખ ભરતભાઈ પટેલ, નવસારી જિલ્લા પંચાયતના માજી સદસ્ય નવનીતભાઈ પટેલ, ઓ.એન.જી.સી. ના નિવૃત્ત અધિકારી વિનોદભાઈ પટેલ, અરુણભાઈ પટેલ વગેરેએ સંનિષ્ઠ પ્રયાસો હાથ ધર્યા છે. ધના-રુપા થાનકે હવેથી દર વર્ષે મહા મહિનાની અમાસના રોજ ધોડીયા આદિવાસીઓના ઉત્સવ સ્વરૂપે પૂજાવિધિ યોજાશે એમ જણાવાયું છે. ભવિષ્યમાં અહીં શ્રદ્ધાળુઓ રાત્રિરોકાણ કરી શકે એ માટેનું મકાન તેમજ આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ તેમજ અભ્યાસુઓ માટે સમૃદ્ધ પુસ્તકાલય બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.