ન્યૂયોર્ક : નડિયાદના વતની અને વર્ષોથી અમેરિકા રહેતા 45 વર્ષિય ગુજરાતી બિઝનેસમેન અમિત પટેલની સોમવારે અમેરિકામાં હત્યા કરાતાં  પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોલંબસમાં રહેતા અમિતભાઈ બેંકમાં પૈસા ડિપોઝીટ કરાવવા ગયા ત્યારે તેમને ગોળી મારી દેવાઈ હોવાનું જ્યોર્જિયાની મસ્કોજી કાઉન્ટિના કોરોનર્સ ઓફિસરે જણાવ્યું છે.


નડિયાદના દેસાઇવગામાં આવેલી સાત માળની હવેલી ધરાવતા અમિત પટેલ કોલંબસમાં ગેસ સ્ટેશન ધરાવતા હતા. તેમના પરિવારમાં પત્નિ અને 3 વર્ષની દિકરી છે. તેમની દીકરીનો 3 ડીસેમ્બર ને સોમવારના રોજ  બર્થડે હતો.


અમિતભાઈ સવારના અરસામાં પૈસા જમા કરાવવા કોલંબસના બુએના વિસ્ટા રોડ પર આવેલ સિનોવસ બેંકમાં ગયા હતા. અમિતભાઈ બેંકની બહાર કોઇ કામે રોકાયા હતા ને પછી બેંકમાં જતા હતા ત્યારે બેંકના પ્રવેશદ્વારે એક અજાણ્યા શખ્શે તેમની ગોળી મારી હત્યા કરી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા લૂંટના ઇરાદે કરવામાં આવી છે. અજાણ્યો શખ્સ ગોળી મારી  પૈસા લઇ ફરાર થઇ ગયો હતો.


નડિયાદમાં રહેતાં અમિત પટેલનાં સગાં સંબંધીઓને આ સમાચાર મળતાં જ સમગ્ર પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. અમિત પટેલ કોલંબસના બુએના વિસ્ટા રોડ પર સેવરોન કંપનીનું ગેસ સ્ટેશન ભાગીદારીમાં ચલાવતા હતા.


અમિત પટેલના ભાગીદાર વીની પટેલના જણાવ્યા અનુસાર  સપ્તાહના અંતે અમિતભાઈ રોકડ અને રસીદો જમા કરાવવાના કામે   બેંકમાં ગયા હતા. એ વખતે જ બેંકની બહાર કોઇએ તેમને ગોળી મારી હત્યા કરી હતી અને પૈસા લઇ ભાગી ગયો હતો. પોલીસનું માનવું છે કે, અમિતને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. પોલીસનું માનવું છે કે, આ વ્યક્તિ અમિતનો પીછો કરતી હતી.  તેને અમિત પાસે પૈસા હોવાની જાણ હતી. આ વ્યક્તિએ જ હત્યા કરી હોવાની શક્યતા છે.


અમિતભાઇને સવારે 10.09 કલાકે જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા એમ મસ્કોજી કાઉન્ટિની ડેપ્યુટી કોરોનર ચાર્લ્સ ન્યૂટને કહ્યું હતું.